રાજકોટ મહાનગર પાલિકાનો આજે 50મો સ્થાપના દિવસ છે. વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે સ્થાપના દિનની ખૂબ જ સાદાઇથી ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્ય કચેરી ઉપરાંત ઝોન કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. દરમિયાન આજે કોર્પોરેશનની અલગ-અલગ શાખાના કર્મચારીઓએ સ્થાપના દિનની ઉજવણીમાં રંગોળીની રોનકના રંગ પૂર્યા હતા. ઉગીને આંખે વળગે તેવી નયનરમ્ય રંગોળી પૂરવામાં આવી હતી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી હોય તેને રંગોળીમાં દર્શાવવામાં આવી હતી.
આ ઉપરાંત લોકશાહીને વધુ મજબૂત કરવા માટે સૌથી મહત્વનું મતદાન છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં શક્ય તેટલું વધુ મતદાન થાય તે માટે જાગૃતી લાવતો સંદેશો પણ રંગોળી દોરીને આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દર વર્ષે સ્થાપના દિનની જાજરમાન ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે આચાર સંહિતાના કારણે સાદાઇથી સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. તા.19/11/1973ના રોજ રાજકોટ નગર પાલિકાને મહાનગર પાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી હતી. વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન પામેલું રાજકોટ કોર્પોરેશન આજે 50માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.