MIG કેટેગરીના 769 આવાસ સામે માત્ર 1356 જ ફોર્મ આવતા મુદ્ત 15 જૂન સુધી લંબાવાઇ
કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એમઆઇજી કેટેગરીના 1268 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જે પૈકી ખાલી રહેલા 769 આવાસ માટે ભાવમાં ઘટાડો કરાયા બાદ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સતત બીજી વખત કોર્પોરેશન દ્વારા આ આવાસ માટે ફોર્મ મેળવવા અને પરત કરવાની મુદ્તમાં એક પખવાડિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એમઆઇજી પ્રકારના 1268 આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. જે પૈકી હાલ ખાલી રહેલ 769 આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણ માટે વિશેષ તા.31 મે સુધીની મુદત લંબાવવામાં આવી હતી.
મુદત દરમ્યાન 5217 અરજદારો દ્વારા ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલ સુધીમાં 1356 લાભાર્થીઓ દ્વારા ફોર્મ પરત આવેલ છે. જે લોકોએ ફોર્મ ઉપાડેલ છે તેવા લાભાર્થીઓ સંજોગોવસાત ફોર્મ પરત આપી શકેલ ન હોય તેવા લાભાર્થીઓ ફોર્મ પરત આપી શકે અને નવા લાભાર્થીઓ પણ ફોર્મ મેળવી શકે તેવા હેતુથી વિશેષ મુદત વધારો આપવાનું એટલે કે 1 જૂનથી તા.15 જૂન સુધી લાભાર્થી ફોર્મ મેળવી શકશે અને પરત આપી શકશે.
આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે. એમઆઇજી આવાસની કિંમત રૂ.18 લાખ અને ફોર્મ સાથે રૂ.20,000 ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.6.00 લાખ થી રૂ.7.50 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.
એમઆઇજી પ્રકારના આવાસમાં અંદાજીત 60.00 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણ અને પરત આપવાનો સમય સવારે 10:30 થી સાંજે 04:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11:00 થી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની ઠઠઠ.છખઈ.ૠઘટ.ઈંગ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.