9 અલગ અલગ રાજમાર્ગો પર સોનાની લગડી જેવા 9 પ્લોટનું વેંચાણ કરી 400 કરોડ ભેગા કરવા માટે રખાયેલું ઈ-ઓકશન મોકુફ રાખવાની સત્તાવાર જાહેરાત
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ટીપીના 9 પ્લોટનું વેંચાણ કરવા માટે ઈ-ઓકશન રાખવામાં આવ્યું હતું.
દરમિયાન કોરોના કાળમાં હાલ બજારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખી પ્લોટનું વેંચાણ માટેનું ઈ-ઓકશન રદ કરવાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર અમીન માર્ગના ખુણે, બાલાજી હોલ પાછળ પાઠક સ્કૂલની બાજુમાં, ધોળકીયા સ્કૂલ પાસે બીલીપત્ર હાઈટ્સની પાછળ, યુનિવર્સિટી રોડ પર બી.ટી.સવાણી હોસ્પિટલ સામે, ગંગોત્રી પાર્ક કેરેલા પાર્ક રોડ પર શ્યામલ બિલ્ડીંગની પાછળ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર શ્યામલ બિલ્ડીંગની સામે, યુનિવર્સિટી રોડ પર બી.ટી.સવાણી હોસ્પિટલ પાછળ, રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ બાજુમાં અને સવન સર્ફેશ બિલ્ડીંગની સામે એમ કુલ 9 પ્લોટનું ઈ-ઓકશન કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી. આવતીકાલથી ઈ-ઓકશન શરૂ થાય તે પૂર્વે જ આજે જાહેર હરરાજી રદ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ટીપી શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 9 પ્લોટની ઈ-ઓકશનની જાહેરાત અપાયા બાદ કેટલાંક બિલ્ડરો દ્વારા તથા જમીન ખરીદવા માંગતા આસામીઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, હાલ માર્કેટમાં મંદી પ્રવર્તી રહી છે. જેના કારણે પ્લોટ ખરીદનાર મળે તેવી સંભાવના ખુબ ઓછી છે. ચોમાસાની સીઝન સારી રહેવા પામી છે. આવામાં દિવાળી બાદ બજારમાં લીક્વીડીટી વધે તેવી પ્રબળ સંભાવના છે. જો કોર્પોરેશન 9 પ્લોટની જાહેર હરરાજી દિવાળી બાદ કરે તો સારા ભાવ ઉપજે તેવી સંભાવના છે. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશને ઈ-ઓકશન કેન્સલ ર્ક્યું છે.