શહેરભરમાંથી નીકળતો કચરો કોર્પોરેશન દ્વારા નાકરાવાડી ગામ પાસે બનાવવામાં આવેલી લેન્ડ ફિલ્ડ સાઇટ ખાતે નીકાલ કરવામાં આવેલ છે. આજે સવારે નાકરવાડી ગ્રામજનોએ કચરો ઠાલવવા જતા ડમ્પરોને અટકાવી દેતા થોડીવાર માટે અફરતફરીનો માહોલ સર્જાઇ જવા પામ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટર સુપરવાઇઝરે તાત્કાલીક ઘટનાસ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો.
કોર્પોરેશન દ્વારા શહેરમાંથી નીકળતા ટન બધ્ધ કચરાના નિકાલ માટે નાકરાવાડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે લેન્ડ ફિલ્ડ સાઇટ વિકસાવવામાં આવી છે. અહીં હાલ 100 કરોડના ખર્ચે નવો પ્લાન્ટ પણ ઉભો થઇ રહ્યો છે. આ લેન્ડ ફિલ્ડ સાઇટ નાકરાવાડી ગામના લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની જવા પામી છે. લેન્ડ ફિલ્ડ સાઇટના કારણે દિવસભર ગામમાં દુર્ગંધ ફેલાઇ છે. આટલું જ નહીં અહીં કચરો ઠાલવવા આવતાં ડમ્પરોના કારણે આખા ગામમાં કચરો ઉંડે છે અને બેશુમાર ગંદકી થાય છે અને હાલ ચોમાસાની સિઝનમાં ગંદકીથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઉભી પામી છે ત્યારે આજે સવારે રોષે ભરાયેલા નાકરાવાડી ગામના લોકો લેન્ડ ફિલ્ડ ખાતે કચરો ઠાલવવા જઇ રહેલા કોર્પોરેશનના ડમ્પરોને અટકાવી દીધા હતા આ અંગેની ફરિયાદ કમિશનર સુધી પહોંચતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે કોન્ટ્રાક્ટરનો સુપરવાઇઝર તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સંપૂર્ણ મામલો શાંત પાડ્યો હતો.
નાકરાવાડી લેન્ડ ફિલ્ડ સાઇટને લઇ ગ્રામજનો અને કોર્પોરેશન વચ્ચે છાશવારે વિવાદ ઉભો થાય છે છતાં આ વિવાદનો કોઇ નિવેડો આવતો નથી.