નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓમાં હાર્ડ રિક્વરીની જૂની પરંપરા તોડાવતા નવનિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલ: ટેક્સ બ્રાન્ચ હવે આખું વર્ષ દોડતી રહેશે
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા દર વર્ષે નાણાકીય વર્ષના અંતિમ ત્રણ મહિનાઓ દરમિયાન બાકી વેરો વસૂલવા માટે હાર્ડ રિક્વરી શરૂ કરવામાં આવતી હોય છે. વર્ષોથી ચાલી આવતી આ વણલખી પરંપરાને નવનિયુક્ત મ્યુનિ.કમિશનર આનંદ પટેલે બંધ કરાવી દીધી છે. નાણાકીય વર્ષના આરંભના પ્રથમ પખવાડીયામાં જ ટેક્સ બ્રાન્ચને દોડતી કરી દીધી છે. આજે શહેરના તમામ 18 વોર્ડમાં બાકીદારોની 104 મિલકતો સીલ કરવામાં આવી હતી. વેરા પેટે રૂ.2.36 કરોડની વસૂલાત થવા પામી છે.
આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી દરમિયાન શહેરના વોર્ડ નં.1માં 150 ફૂટ રીંગ રોડ પર વિઝન 20-20માં, રૈયા રોડ પર સંવત સિગનેટ, જીએસસીબી ક્વાર્ટર, વોર્ડ નં.2માં જામનગર રોડ, વોર્ડ નં.3માં રેલનગર અને પરસાણાનગર, વોર્ડ નં.4માં પારેવડી ચોક, વોર્ડ નં.5માં રણછોડનગર, વોર્ડ નં.6માં સંતકબીર રોડ, વોર્ડ નં.7માં વીપી રોડ, ગોંડલ અને યાજ્ઞિક રોડ, વોર્ડ નં.8માં અમિન માર્ગ, કાલાવડ રોડ, વોર્ડ નં.9માં રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, યુનિવર્સિટી રોડ, કિડવાયનગર મેઇન રોડ, સાધુવાસવાણી રોડ, વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ, વોર્ડ નં.12માં ગોંડલ રોડ, વાવડી વિસ્તાર, રસુલપરા સોસાયટી, વોર્ડ નં.13માં ગોંડલ રોડ, વોર્ડ નં.14માં ઢેબર રોડ, વોર્ડ નં.15માં 80 ફૂટ રોડ, કોઠારીયા રીંગ રોડ, વોર્ડ નં.16માં પટેલ નગર, સોરઠીયા વાડી, વોર્ડ નં.17માં મેઘાણી નગર જ્યારે વોર્ડ નં.18માં ગ્રીન પાર્ક અને કોઠારીયા રોડ પર બાકીદારોની મિલકતોને તાળા લગાવી દેવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 36 બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવતા 80.81 લાખની વસૂલાત થઇ છે. વેસ્ટ ઝોનમાં 43 મિલકતો સીલ કરાતા રૂ.1.02 કરોડ, જ્યારે ઇસ્ટ ઝોનમાં 25 મિલકતો સીલ કરવામાં આવતા રૂ.55.43 લાખની વસૂલાત થવા પામી છે. ચડત વેરામાં હપ્તા સિસ્ટમની મુદ્ત આગામી 15મી મેના રોજ પૂર્ણ થઇ રહી હોય બાકીદારોને આ યોજનાનો લાભ લેવા મ્યુનિ.કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.