તમામ જર્જરીત મકાનોને સલામત કરવા કાર્યવાહી હાથ ધરાશે, કોર્ટ મેટર હશે તો કોર્ટનું પણ ધ્યાન દોરાશે: જોખમ દૂર કરવા અમૂક મિલકતો જમીનદોસ્ત પણ કરી દેવાશે: સોમવારે બેઠક

જામનગરમાં સાધના સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરનું જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી જવાના કારણે ત્રણ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. આ ઘટના બાદ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હરકતમાં આવી ગઇ છે. રાજકોટ શહેરમાં 533 જર્જરીત બિલ્ડીંગો આવેલી છે. વર્ષોથી કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપવામાં આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકોનો આશરો ન છીનવાઇ તે માટે કોર્પોરેશન દ્વારા કોઇ નક્કર કે આકરી કામગીરી કરવામાં આવતી નથી. પરંતુ જે રીતે ગઇકાલે જામનગરમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની તેનાથી કોર્પોરેશન ફફડી ગયું છે. હવે જોખમગ્રસ્ત બિલ્ડીંગોને સલામત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે આગામી સોમવારે ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરો સાથે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે વધુ વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં જામનગર જેવી દુ:ખદ ઘટના ન બને તે માટે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ છે. શહેરમાં આવેલા તમામ જર્જરીત મકાનોને સલામત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. અમૂક પ્રકરણમાં કોર્ટ-કેસ ચાલુ છે. આવામાં જોખમ ઘટાડવા માટે કોર્ટનું પણ ધ્યાન દોરવામાં આવશે અને જર્જરીત મકાનોને સલામત સ્ટેજ પર લઇ જવા માટેની કામગીરી કરવામાં આવશે. જરૂર પડશે તો અમૂક જોખમી બિલ્ડીંગોનું ડિમોલીશન પણ કરવામાં આવશે. આગામી સોમવારે જર્જરીત બિલ્ડીંગો સામે ક્યા પ્રકારની કાર્યવાહી કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા માટે ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરો સાથે બેઠકો યોજવામાં આવશે. ટૂંકમાં કોર્પોરેશન કોઇ જોખમ ઉપાડવા માંગતું નથી. જર્જરીત બિલ્ડીંગોને સલામત સ્ટેજે લઇ જવા માટે મક્કમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં 533 મિલકતોની હાલત જર્જરીત છે. જે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ કે પવનમાં ગમે ત્યારે તૂટી પડે તેમ છે. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 268, વેસ્ટ ઝોન વિસ્તારમાં 230 અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 35 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. આ જર્જરીત બિલ્ડીંગમાં વસવાટ કરતા લોકોને મકાન ખાલી કરવા અથવા જર્જરીત ભાગ દૂર કરવા કે સલામત કરવા અંગે તાકીદ કરવામાં આવી છે. જો કે, દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે નોટિસ બજાવવામાં આવે છે પરંતુ ત્યારબાદ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે શહેરમાં જર્જરિત અને જોખમી બિલ્ડીંગોની સંખ્યામાં સતત વધારો જ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.