મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને ડીએમસી આશિષ કુમારે મૃતકોના પરિવારજનો સાથે બેઠક યોજી માનવતાના ધોરણે સહાય આપવાની ખાતરી આપતા લાશ સ્વીકારાય
શહેરના ગોકુલધામ વિસ્તાર નજીક ભુગર્ભ ગટરની સફાઇ વેળાએ વિનાશક ગેસ ગળતર થવાના કારણે એક મજૂર અને ડ્રેનેજ સફાઇના કોન્ટ્રાક્ટરના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. મજૂર મેહુલ મેસડાના પરિવારજનો દ્વારા અલગ-અલગ ત્રણ માંગણીઓ તંત્ર સમક્ષ મૂકવામાં આવી હતી અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
દરમિયાન આજે બપોરે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેયર ડો.પ્રદિપ ડવ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને ડીએમસી આશિષ કુમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને મૃતક મેહુલ મેસડાના પરિવારજનો રૂબરૂ મળવા દોડી આવ્યા હતાં. તેઓએ એવી માંગણી કરી હતી કે ડ્રેનેસ સફાઇ કરતી વેળાએ તેમના પરિવારના સભ્યએ જીવ ગુમાવ્યો હોય કોર્પોરેશન દ્વારા મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રોકડ સહાય, આવાસ યોજનામાં એક ક્વાર્ટર અને સરકારી નોકરી ફાળવવામાં આવે.
વિસ્તૃત ચર્ચા-વિચારણાં બાદ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ હાલ એવો નિર્ણય લીધો છે કે મેહુલ મેસડાના પરિવારજનોને શક્ય તેટલી વધુ રોકડ સહાય ચૂકવવામાં આવશે અને સાથોસાથ તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે અને જો તેનો પરિવાર આવાસ યોજનાના ક્વાર્ટર માટે લાભાર્થી રહેતો હશે તો તેને ક્વાર્ટરની ફાળવણી પણ કરવામાં આવશે. નિયમ મુજબ રોજગારી આપી શકાય તેમ ન હોય ત્રણ પૈકી બે માંગણીનો આંશિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે એક માંગણીનો અસ્વિકાર કરાયો છે. કોર્પોરેશન દ્વારા ત્રણ પૈકી બે માંગણી સંતોષવાની ખાતરી આપવામાં આવતા મેહુલ મેસડાના પરિવારજનોએ લાશ સ્વીકારી લીધી હતી.