સુપર સ્પ્રેડરને શોધવા ફરી હોકર્સ ઝોન, મોલ સહિતના વિસ્તારોમાં ટેસ્ટીંગ હાથ ધરાશે સ્કૂલ રિક્ષા-વાન ચાલકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ફરજ પડાશે
છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન સતત વધી રહ્યું છે. ગઇકાલે જાણે શહેરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ રાજ્યમાં સૌથી વધુ 12 કેસ રાજકોટમાં નોંધાયા હતાં. સતત વધતાં સંક્રમણ સામે તંત્ર હવે એલર્ટ થઇ ગયું છે. આગામી દિવસોમાં આરોગ્ય વિભાગમાં સ્ટાફ વધારવા અને ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધારવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ શહેરની ચાર સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક કોરોનાના સંકજામાં સપડાતાં હવે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોને કોરોના માટેની મહત્વપૂર્ણ મનાતી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટે તાકીદ કરવામાં આવશે.
આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટ બાદ ગત 26 નવેમ્બરથી ગઇકાલ સુધીમાં વિદેશથી રાજકોટમાં 561 નાગરિકો આવ્યા છે. રિસ્કી ક્ધટ્રીમાંથી 109 લોકો આવ્યા છે. જે પૈકી 90 વ્યક્તિઓનું કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અન્ય 19 વ્યક્તિઓના રિપોર્ટ સાત દિવસ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય શહેરમાં સંક્રમણ અટકાવવા માટે હવે આરોગ્ય શાખામાં સ્ટાફ વધારવામાં આવશે અને ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધારવામાં આવશે. સુપર સ્પ્રેડરને શોધવા માટે ફરી હોકર્સ ઝોન, શોપિંગ મોલ સહિતના એવા વિસ્તારો કે જ્યાં વધુ માત્રામાં માનવ સમૂદાય એકત્રીત થતો હોય છે. ત્યાં ટેસ્ટીંગ હાથ ધરવામાં આવશે.
દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક કોરોના સંક્રમિત થતાં વાલીઓમાં હાલ ડરની લાગણી જોવા મળી રહી છે. સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વાનના ચાલકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી બાળકોને વાનમાં બેસાડવાની ફરજ પાડવા કોર્પોરેશન દ્વારા ટ્રાફિક પોલીસ, આરટીઓ અને ડીઇઓ કચેરીને પત્ર લખવામાં આવ્યો છે. જરૂર જણાશે તો અગાઉ માફક શહેરમાં ફરી ટેસ્ટીંગ બૂથ પણ શરૂ કરવામાં આવશે.