દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ મળી આવતા કેન્દ્ર સરકાર સફાળી જાગી ગઇ છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે કેન્દ્રની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. ગુજરાતમાં ગઇકાલે કોરોનાના નવા બે કેસ મળી આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજે બપોરે રાજ્ય સરકારના આરોગ્ય અધિકારી દ્વારા તમામ મહાપાલિકાઓ સાથે એક વિ.સી. યોજવામાં આવી હતી. જેમાં કોરોનાના શંકાસ્પદ દર્દી આવે તો તેઓના રેપિડ ટેસ્ટ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
તમામ આરોગ્ય કેન્દ્રમાં રેપિટ ટેસ્ટ કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ: કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓના રિપોર્ટ કરવા સરકારની સૂચના
કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ જણાવ્યું હતું કે કોર્પોરેશન હસ્તકના તમામ આરોગ્ય કેન્દ્રમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનાના સિવીયર લક્ષણ ધરાવતા તમામ દર્દીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. હાલ બજરંગવાડી આરોગ્ય કેન્દ્ર, જંક્શન આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દુ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, આઇ.એમ.એ.આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, સ્વ.શ્રી ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર, વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, નાના મૌવા આરોગ્ય કેન્દ્ર, મુંજકા આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર અને આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. તમામ દર્દીઓના ટેસ્ટ કરાતા નથી. પરંતુ સિવીયર લક્ષણો જેવા કે સખત તાવ આવવો, ઉધરસ-શરદી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવે છે. રોજ 20 થી 22 કેસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોરોનાનો એકપણ દર્દી મળી આવ્યો નથી.
તેઓએ ઉમેર્યું હતું કે સરકારની નવી ગાઇડલાઇન આવ્યા બાદ તેની ચુસ્ત અમલવારી કરવામાં આવશે. હાલ રાજકોટમાં ચિંતા જેવુ નથી. કોરોનાનો નવો વેરિઅન્ટ વધુ જોખમી નથી એટલે શહેરીજનોએ ખોટી ઉપાધી કરવાની જરૂરિયાત નથી.