હાલ દૈનિક 10 હજાર લોકોને વેકિસન આપવામાં આવે છે: જ્ઞાતિ વાઈઝ કેમ્પો વધારાશે, જરૂર જણાશે તો વેકિસનેશન સેન્ટરો પણ વધારવાની તૈયારી
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હવે વેકસીનેશન સિવાય કોરોનાને નાથવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી ત્યારે રાજકોટમાં દૈનિક 15 હજાર લોકોને વેકસીન આપી કોરોનાથી સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક મહાપાલિકા દ્વારા નિર્ધારીત કરવામાં આવ્યો છે. આજ સુધીમાં 1.45 લાખ લોકોને કોરોનાની વેકસીન આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં જ્ઞાતિ વાઈઝ વેકસીનેશન કેમ્પો વધારવામાં આવશે અને જરૂર પડશે તો સેન્ટરો પણ વધારવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આજે બપોર સુધીમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 4574 લોકોને કોરોનાની વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. હાલ દૈનિક સરેરાશ 10 હજાર જેટલા લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી રહી છે. આ એવરેજ 15 હજાર સુધી લઈ જવા મહાપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જરૂર જણાશે તો વેકસીનેશન સેન્ટર પણ વધારવામાં આવશે અને જ્ઞાતિ વાઈઝ જે કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે તે વધારવામાં આવશે. સરકાર પાસે વધારાના ડોઝની પણ માંગણી કરવામાં આવશે. હાલ 1.45 લાખ લોકોને વેકસીન આપી દેવામાં આવી છે. એપ્રિલના અંત સુધીમાં 3 લાખ લોકોને વેકસીન આપી કોરોનાથી સુરક્ષિત કરી દેવામાં આવશે. ટુંકમાં કોરોનાને નાથવા માટે મહાપાલિકાએ રિતસર યુદ્ધની માફક તૈયારીઓ શરૂ કરી છે.