શાકભાજીના ફેરીયાઓને સુપર સ્પ્રેડર બનતા રોકવા ટેસ્ટીંગ કરાશે
રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના 100થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. ફરી શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. આવામાં હવે શાકભાજીના ફેરીયાઓને સુપર સ્પ્રેડર અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા ફરી તેઓના કોવિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ પણ જ્યારે શહેરમાં કોરોનાની પ્રથમ લહેરે હાહાકાર મચાવ્યો હતો ત્યારે પણ શાકભાજીના ફેરીયાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હવે જ્યારે શહેરમાં ફરી કોરોનાનું સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે ત્યારે સુપર સ્પ્રેડર બનતા અટકાવવા માટે શાકભાજીના ફેરીયાઓના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ હાલ મહાપાલિકા દ્વારા ફરી ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં તાવ, શરદી-ઉધરસની બિમારીથી પીડાતા દર્દીને શોધી કાઢવા માટે ઘેર ઘેર તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. આવામાં આગામી શનિ, રવિ અને સોમ જાહેર રજા હોવા છતાં પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું છે. આવતા સપ્તાહથી શાકભાજીના ફેરીયાવાળાના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જરૂર જણાશે તો ફૂડ ડિલીવરી બોયના ટેસ્ટ કરવામાં આવશે.