કેન્દ્રના આરોગ્ય વિભાગના ત્રણ નિષ્ણાતોએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ચેઇન ચલાવવા ઉચ્ચ અધિકારીઓને સૂચનો
મૃત્યુદર પર કાબુ મેળવવા માટે આરોગ્ય વિભાગ અને તબીબોને આપ્યું જરૂરી માર્ગદર્શન
રાજકોટમાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે દિલ્હી આરોગ્ય વિભાગની નિષ્ણાતોની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની મુલાકાત લીધા બાદ હવે દિલ્હી કેન્દ્ર ટીમ મેદાને ઉતારી છે. આજ રોજ દિલ્હી કેન્દ્રના ડો.અમર પાટીલ, ડો. કપૂર અને ડો.ડાંગવાલની ટીમ રાજકોટ પહોંચી છે. સરકારની ગાઈડલાઈન ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ પર આ ટીમ દ્વારા ભાર મૂકીને તબીબો અને ઉચ્ચ અધિકારોને સૂચનો કર્યા છે. તો બીજી તરફ મૃત્યુદર પર કાબુ મેળવવા માટે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કેન્દ્રની ટીમ બે દિવસ સુધી રાજકોટમાં રોકાશે અને સ્થિતિ પર તાગ મેળવશે.
રાજકોટમાં કોરોનાની મોટી મહામરી સર્જાઈ રહી છે. જેના કારણે ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ સહિતની ટીમ રાજકોટ પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની સ્થિતિનો તાગ મેળવી કેન્દ્ર સરકારને પણ માહિતગાર કરવામાં આવી હતી. જેના પગલે આજ રોજ દિલ્હીથી કેન્દ્ર આરોગ્યની ટીમ હવે શહેરમાં વધતા કોરોના પર કાબુ મેળવવા રાજકોટમાં ધામા નાખ્યા છે.
રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. કેસની સંખ્યાની સાથોસાથ મોતનો આંકડો પણ આસમાને પહોંચી રહ્યો છે. ત્યારે કોરાનાની ચેઇન તોડવા અને સ્થિતિને પહોંચી વળવા માટે આજે દિલ્હીથી ત્રણ અધિકારીની ટીમ રાજકોટ આવી પહોંચી છે. આ ટીમ રાજકોટના આરોગ્ય અધિકારીઓ અને ડોક્ટરોને નવા લક્ષણો અંગે અને સંક્રમણ અટકાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
દિલ્હીથી ડો.અમલ પાટીલ, ડો.કપૂર અને ડો. ડાંગવાર રાજકોટ આવી પહોંચ્યા હતા અને આરોગ્ય ટીમે જણાવતા કહ્યું હતું કે, હોસ્પિટલની સુવિધા વધવાથી કોરોના કાબૂમાં નહિ આવે પરંતુ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું ખૂબ જ જરૂરી છે. સાથે તેઓ રાજકોટમાં અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરી હતી અને તેમજ ક્ધટેનમેન્ટ ઝોન, રસીકરણ કેન્દ્ર અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
સાથે જ દિલ્હીની ટીમે રાજકોટમાં સતત વધતા મૃત્યુઆંક વિશે પણ વિગતો મેળવી હતી અને કોરોનાને રોકવા અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું હાલ કોરાનાને રોકવા અને ચેઇન તોડવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર મૂકવા પર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન વિશે પણ ચર્ચા કરાઈ હતી. રાજકોટમાં વધતા જતા ફેમિલી બંચિંગના કારણે તંત્ર અને લોકોમાં ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. એક કેસ પોઝિટિવ આવતા પુરા પરિવારને ઝપેટમાં લેવાની ચેઇનને તોડવા માટે કેન્દ્રની ટીમ અને રાજ્ય આરોગ્ય વિભાગ નિષ્ણાતો તથા શહેરના તબીબો દ્વારા સમીક્ષા કરવામાં આવશે.