કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ જંગલેશ્વર વિસ્તારમાં સઘન કામગીરી, ૪૦ ટીમોએ ડોર ટુ ડોર સર્વે કર્યો : એક મોબાઈલ મેડિકલ ટીમ ઓપીડી માટે કાર્યરત કરાઈ
ટ્રેન મુસાફરી દરમિયાન કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલ મોરબી જિલ્લાના ૧૩ લોકોને રખાયા ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં, સંપર્કમાં આવેલા લોકોની હજુ પણ શોધખોળ
ગુજરાતમાં બે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલ રાજકોટનો જે કેસ છે તેમાં કોરોનાગ્રસ્ત યુવકની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ તેના પરિવારજનો સહિતના ૧૭ લોકોને ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવ્યા હતા. તેમાંથી ૪ લોકોને કોરોનાના લક્ષણો જણાતા તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસે ગુજરાતમાં પણ પગપેસારો કરી દીધો છે. ગઈકાલે રાજકોટ અને સુરતમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં ૩૨ વર્ષના એક યુવકને કોરોના થયો છે. આ યુવક ઉમરાહ કરવા ગયો હતો. જ્યાંથી તે તા.૭ના રોજ મુંબઈ આવ્યો હતો અને તા.૮ના રોજ તે રાજકોટ પહોંચ્યો હતો. આ યુવકને કોરોનાના લક્ષણો હોવાનું ૪ દિવસ માલુમ પડતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને યુવકને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જો કે જામનગર ખાતેથી પ્રથમ રિપોર્ટ આવી ગયા બાદ પણ તંત્રએ પુના રિપોર્ટ મોકલ્યો હતો અને પુનાથી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્રએ કોરોનાના કેસની સત્તાવાર જાહેરાત કરી હતી.
યુવકને શંકાસ્પદ કોરોના જણાતા ગઈકાલે જ આરોગ્ય વિભાગે યુવકના પરિવારજનો અને તેમને સારવાર આપનાર તબીબ મળી કુલ ૧૭ લોકોને પથિકઆશ્રમ ખાતે ઉભી કરાયેલી ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આ ૧૭ લોકોમાંથી એક મહિના અને ત્રણ પુરુષને કોરોનાના લક્ષણો દેખાતા તેઓને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેઓના રિપોર્ટ જામનગર મોકલવામાં આવ્યા છે. હે આ ચારેય લોકોના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. બીજી બાજુ કોરોનાગ્રસ્ત યૂવકની હાલ સારવાર ચાલી રહી છે. અને આ યુવકની તબિયત સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.
કોરોનાના પોઝિટિવ કેસથી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. ગઈકાલે આરોગ્ય વિભાગની ૪૦ ટીમોએ સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો. અને હજુ પણ ત્યાં સતત વોચ રાખવામાં આવી છે. ત્યાં આવેલા પ્રણામી ચોકના હોસ્પિટલને ૨૪સ૭ ખુલ્લું રાખવામાં આવશે. આ ઉપરાંત એક મોબાઈલ મેડિકલ ટિમ પણ કાર્યરત કરવામાં આવી છે. જે વિવિધ સ્થળોએ જઈને લોકોના ઓપીડી કરશે.
બીજી બાજુ આરોગ્ય વિભાગે કોરોના ગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ૧૩ લોકો ટ્રેન મુસાફરી દરમિયાન આ યુવકના સંપર્કમાં આવ્યા હોવાનું ખુલતા તેઓને ગઈકાલે રાતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. આ ૧૩ લોકોમાં વાંકાનેરના ૪ અને માળિયાના ૯ લોકોનો સમાવેશ થાય છે. અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશીની હાજરીમાં આ તમામ ૧૩ લોકોનું હોસ્પિટલમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ એક પણ વ્યક્તિને કોરોનાના લક્ષણ ન દેખાતા તમામ લોકોને પોલીટેક્નિક કોલેજમાં ઉભી કરવામાં આવેલી ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવ્યા છે. હજુ પણ આ યુવકના સંપર્કમાં આવેલા લોકોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જંગલેશ્વર વિસ્તારમાં અનેક લોકો આ યુવકના સંપર્કમાં આવ્યા હોવાનું તારણ છે. માટે હજુ ક્વોરોન્ટાઇન ફેસેલિટીમાં લોકોની સંખ્યા વધશે તેવું અનુમાન છે.
રાજયમાં રવિવારે એસ.ટી અને સિટી બસ સજ્જડ બંધ
સમગ્ર વિશ્ર્વમાં જયારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજયનું તંત્ર હવે હરકતમાં આવ્યું છે. ગઈકાલે રાજકોટ અને સુરતમાં કોરોનાનો એક-એક પોઝીટીવ આવ્યા બાદ તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી છે.
આજથી જ રાજયની બહાર જતી એટલે કે આંતરરાજય બસ સંચાલન બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ગઈકાલે વડાપ્રધાન મોદીએ રવિવારે સ્વયંભુ કફર્યું રાખવાની લોકોને અપીલ કરી હતી જે સંદર્ભે રાજય સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસની સતર્કતાને લઈને રાજયમાં રવિવાર તમામ એસ.ટી.બસો અને સીટી બસો સજ્જડ બંધ રહેશે. આ ઉપરાંત રાજકોટથી જતી આંતરરાજય બસ સંચાલન બંધ કરવાનો પણ નિર્ણય કરાયો છે જે સંદર્ભે ગોંડલથી રાજસ્થાન જતી ઉદયપુર અને મહારાષ્ટ્રમાં જતી નાસીક બસ રૂટનું સંચાલન બંધ કરેલ છે અને એસ.ટી.તંત્રનો આદેશ હશે તો આગામી સમયમાં એકસપ્રેસ સંચાલન પણ બંધ કરવામાં આવશે.
આ ઉપરાંત રવિવારના રોજ રાજયભરની એસ.ટી.બસો અને શહેરોમાં ચાલતી સિટી બસો સજ્જડ બંધ કરી દેવામાં આવશે.
આજથી રેલવે ટિકિટ કન્સેશન પાસ પર રોક
રેલ્વે બોર્ડ દ્વારા કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને, તેના ચેપને રોકવા માટે અનેક નિવારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં, રેલ્વે બોર્ડે આજથી મુસાફરોને બધી છૂટછાટો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ટ્રેનોમાં ભીડને કાબૂમાં લેવા માટે લેવામાં આવ્યો છે. પરંતુ રેલ્વે ટિકિટની છૂટ વિદ્યાર્થી, દિવ્યાંગ અને દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે.
હાલની પરિસ્થિતિમાં, રેલ્વે ટિકિટ છૂટછાટ અટકાવવાનો હેતુ. કોરોના વાયરસના ચેપને રોકવા માટે ટ્રેનોમાં ભીડ ઘટાડવાનો છે. રાહત પરનો પ્રતિબંધ રેલવે બોર્ડ તરફથી આવતા આદેશો મળે ત્યાં સુધી અમલમાં રહેશે.