કોરોના વાયરસે જાણે માજા મુકી હોય તેમ લોકોને ભરખી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના ૩૦ પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને એક વ્યક્તિનું કોરોના વાયરસને લઈ મોત નિપજયું છે. કોરોના વાયરસને પગલે રંગીલુ રાજકોટ કહેવાતુ અને રાત-દિવસ ચોવીસ કલાક ધમધમતું રાજકોટ આજે લોકડાઉનના બીજા દિવસે પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. રાજકોટના પ્રખ્યાત એવા ધર્મેન્દ્ર રોડ, સોનીબજાર, સદર બજાર, ગુંદાવાડી, કાલાવડ રોડ સહિતના રોડ પર કફર્યુ જેવો માહોલ સર્જાયો હતો.
જો કે, અગાઉ જ સોની બજાર એસો. દ્વારા ત્રણ દિવસ સુધી તમામ શો-રૂમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો તેમજ ગુંદાવાડી પણ આજે દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી. કોરોનાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રંગીલુ રાજકોટ છેલ્લા બે દિવસ દરમિયાન સુમસામ નજરે પડી રહ્યું છે. અમુક આવારા તત્ત્વો હજુ પણ કારણ વિનાના જ બજારમાં બેફામ રીતે ફરી રહ્યાં છે. ત્યારે આજથી જ પોલીસ દ્વારા આવા આવારા તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના મોટા રોડો તેમજ નાની-શેરી ગલીઓ પણ સુમસામ નજરે પડી રહી છે. ત્યારે કોરોના કયારે મુક્તિ લે તેવી સૌ કોઈ રાહ જોઈને પોતાના ઘરમાં બેસી રહ્યાં છે. (તસવીર : શૈલેષ વાડોલીયા)