• 1949માં શહેરની પ્રથમ નિયુકત સુધરાઈ રચાઈ: રાજકોટના સ્થાપનાકાળે વસતી છ હજારની હતી, 1901માં 36 હજાર, 2011માં 13.46 લાખ અને આજે વસ્તી 20 લાખને પાર
  • 1973માં રાજકોટ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયું ત્યારે શહેરનો વિસ્તાર 69 ચો.મી. કિ.મી. ક્ષેત્રફળનો હતો આજે રાજકોટનું ક્ષેત્રફળ 161.86 ચો.કિ.મી.નો છે
  • એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસ પોર્ટ, સ્માર્ટ સિટીના કારણે રાજકોટ ખૂબ જ ઝડપથી મેટ્રો સિટી બનવા તરફ ધસમસી રહ્યું છે
  • કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને  વિજયભાઈ રૂપાણી એમ ત્રણ ત્રણ મુખ્યમંત્રી  ગુજરાતને રાજકોટે આપ્યા: વડાપ્રધાન પણ પોતાના જીવનની પ્રથમ ચૂંટણી આ શહેરથી જ લડયા હતા

“રાજકોટ” નામ સાંભળતા જ મનમાં વિચાર આવે શાંતિપ્રીય જનતા, ઉત્સવ પ્રિય રંગીલી પ્રજા,ધંધા-રોજગારીની ખોટી ઉપાધિ કર્યા  વિના પોતાની મસ્તીથી જીંદગી જીવનારી જનતા. સૌરાષ્ટ્રના 11 જિલ્લા પૈકી એક પણ જિલ્લાની  પ્રજાના મનનું  એવું એક સપનું વસેલું છે કે, અમારે પણ   રાજકોટમાં એકાદ નાનુ-મોટુ  ઘર હોય. સૌરાષ્ટ્રનું પાટનગર મનાતુ આ શહેર પોતાના સીમાડા સતત વિસ્તારી રહ્યું છે. સાથોસાથ લોકોના સપનાને પણ પાંખ આપી રહ્યું છે. અહી લોકો માટે  રોટલો પણ છે અને  ઓટલો પણ અહીના લોકોની સૌથી મોટી ખાસિયત બપોરે બેથી ત્રણ કલાક ઘસઘસાટ ઉંઘી જવું, શિયાળામાં પણ આઈસ્ક્રીમ ખાવો  અને આકરા ઉનાળામાં કાવો ગટગટાવવો છેલ્લા પાંચ દાયકામાં આ શહેરની પ્રગતિ  અકલ્પનિય  છે.

વિશ્વના  સૌથી  ઝડપથી  વિકસતા 100 શહેરોમાં  રાજકોટનો 23મો નંબર  રહ્યો હતો. બે દાયકામાં  રાજકોટનો વિકાસ રાજાની કુંવરીની માફક  રહ્યો છે. પોતાની   મોજમાં જીવતું આ શહેરની ગણના માયાનગરી મુંબઈ સાથે  કરવામાં આવે છે. મહાપાલિકાની દરજજો પણ મળ્યો ત્યારે શહેર માત્ર  69 કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતું હતુ. આજે પાંચ દાયકા બાદ ક્ષેત્રફળ 161.86 કિ.મી.એ પહોચ્યો છે. રાજકોટ શહેરમાં આસપાસનાં રૈયાગામ, મવડી, નાના મવા, કોઠારિયા, વાવડી, મોટામવા, મુંજકા,  માધાપર,  મનહરપુરા અને ઘંટેશ્ર્વર દશ ગામોનો સમાવેશ  થયો છે.  ગ્રામ્ય જનતાને   પણ આ શહેરો પોતાના  પડખામાં સમાવી લીધી છે. અને શહેરી નાગરીકોનું બિરૂદ  આપી દીધું છે.

સ્માર્ટસિટી, એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બસ પોર્ટ સહિતની  સુવિધાઓના કારણે રાજકોટ પુરપાટ ઝડપે મેટ્રોસિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ શહેરનું સરકાર  અને રાજકીય પક્ષોના સંગઠનમાં પણ મજબૂત પકડ રહી છે.  કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી એમ ત્રણ ત્રણ  મુખ્યમંત્રી આ શહેરે ગુજરાતની જનતાને આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પોતાની રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડયા હતા. આ રંગીલા નગરે વજૂભાઈ વાળાના રૂપમાં કર્ણાકટના મહામહિમ રાજયપાલ પણ આપ્યા છે. આ શહેર તમામ રાજયના કે   દેશના  નાગરિકોને  પોતાના   બનાવી અપનાવી લે છે તે સૌથીમોટી ખાસિયત છે.

શહેરના સિમાડા ચોકકસ  વધી રહ્યા છે. સાથોસાથ પડકાર પણ અનેક છે.સ્થાપના કાળે હતા એટલા જ  પાણીના સ્થાનીક  સ્ત્રોત છે જે સૌથી મોટી ચિંતાનો  વિષય છે. પાણી પ્રશ્ર્ને રાજકોટ  આત્મનિર્ભર નથી તે 100 ટકા  સાચી વાત છે. પરંતુ પાણી વિના પાટુ મારી વિકાસ કરવો તે આ શહેરની પાણીદાર ખાસિયત છે.  મુસિબતમાં  પણ ફયિાદ ન કરવી તે લોકોનો ગુણધર્મ છે. તંત્ર  કેટલેક પહોચે તેવું કહીને પણ લોકો મુંગા મોઢે તકલીફ હસીને વેઠી લ્યે છે. આકાશને  આંબતી ઈમારતો, મેટ્રો સિટી જેવા બ્રિજ, બબ્બે રેસકોર્સ,  રામવન,  ઈશ્ર્વરીયા પાર્ક, રામવન,  પ્રધ્યુમન પાર્ક, આજી અને ન્યારી ડેમ આ શહેરના ફરવા લાયક  સ્થળો છે.કેન્દ્ર સરકાર દ્વારા  પણ રાજકોટની પસંદગી  સ્માર્ટસિટી તરીકે   કરવામાં આવી છે. શહેરના વેસ્ટઝોનમાં રૈયા વિસ્તારને સ્માર્ટસિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહી અટલ સરોવર શહેરની શોભામાં  અનેકગણો વધારો કરશે.

રાજકોટના અતીતમાં ડોકિયું

19

– રાવલજામની ત્રીજી પેઢીએ થયેલા જામસતાજીનાં વખતમાં અકબર બાદશાહે ગુજરાત જીતી લીધું . એ સમયે ગુજરાતનો છેલ્લો બાદશાહ મુજફ્ફર સંતાતો સંતાતો અંતે જામસાહેબ પાસે આવતા તેને પકડી લેવા ગુજરાતના સુબા મીરજા અજીજ કોકાએ અમદાવાદથી લશ્કર લઇ નવાનગર ઉપર ચડાઇ કરી, ભુચર મોરી (ધ્રોલ નજીક  ના રણક્ષેત્રમાં લડાઇ થઇ . સંવત 1648 માં શ્રાવણ વદ 8 ના રોજ ફરી એક વખત જંગ ખેલાયો , અનેક યોધ્ધા હણાયા , કુંવર અજાજી રણમાં પડ્યા , ને કુંવર જશાજી બાકીનું લશ્કર લઇ જતા રહ્યાં . ત્યારબાદ જામસતાજીએ મુસલમાન સુબા સાથે સુલેહ કરી નગર પાછું મેળવ્યું . સંવત 1664 માં જામસતાજીનું અવસાન થયું , પાટવી કુંવર અજાજીના પુત્ર લાખાજી ગાદીના હકદાર હતા , પરંતુ તેમની નાની ઉંમરને ધ્યાનમાં લેતાં તેમનાં કાકા જસાજી ગાદીએ બેઠાં .

સંવત 1680 માં જસા જામનું નિધન થતાં જામ લાખા ગાદીએ બેઠા, જામ લાખાના નાનાભાઇ વિભાજીને જસા જામના વખતમાં કાલાવડ કુનડાના બાર ગામનો ગરાસ મળેલો તેથી તેઓ ત્યાં જતા રહેલાં પણ તેઓ વધુ ચંચળ અને પરાક્રમી હતા તેમજ કાલાવડ પરગણું તેમના પરિવાર માટે પુરતી ઉપજ કરાવી આપવામાં સક્ષમ નહીં હોઇ તેઓ પોતાની માતા સાથે સરધાર મુકામે મામા પાસે ગયા . કહે છે કે સરધારના વાઘેલા ઠાકોરની કુંવરી જોડે પરણેલા વિભાજીને દાયજામાં ચીભડા ગામ મળેલું , જો કે પરાક્રમી વિભાજીને સ્વતંત્ર રાજય પેદા કરવાનો વિચાર સતત સતાવતો રહેતો , દરમ્યાન વિભાજીએ પોતાનું વિશ્વાસુ સાથીઓને સાથે રાખી મધ્યરાત્રીએ હુમલો કરી વાઘેલાનું આખું રાજય કબ્જે કર્યું , ત્યારબાદ વિભાજીએ પોતાના વિશ્વાસુ મુળુ લાંગા તથા રાજુ સિંધીને સાથે રાખી દિલ્હી જઇ જહાંગીર બાદશાહને મળવાનો પ્રયત્ન કર્યો હતો.

સારી એવી મહેનતના અંતે બાદશાહ પાસેથી સંવત 1662 ના ભાદરવા સુદ પાંચમના રોજ સરધારની માલિકીનો પરવાનો મેળવી વિભાજી પરત ફર્યા, પોતાની મનોકામના પૂર્ણ થતાં વિભાજીએ પોતાના વિશ્વાસુ સાથીદારો મુળુ લાંગા અને રાજુ સિંધીને યોગ્ય બદલો પણ વાળી આપ્યો . મુળુ લાંગાને કેટલાંક ગામો આપ્યા બાદ વિભાજીએ ઇ.સ. 1620 માં પોતાની મૈત્રીને જીવંત રાખવા મિત્ર રાજુ સિંધીના નામે રાજકોટ ગામ વસાવ્યું , જયારે  યદુવંશ પ્રકાશનાં સંદર્ભ અનુસાર ઇ.સ. 1626 માં વિભાજીએ રાજુ સિંધીની સ્મૃતિમાં રાજકોટની સ્થાપના અને નામકરણ કર્યાં . જો કે પહેલેથી જ રાજુ સિંધીના પરિવારનો કબ્જો હતો . જે ઇ.સ. 1664 સુધી રહ્યો .

આ સ્થળે રાજુ સિંધીનો નેસ હતો . વિભાજી ઇ.સ. 1635-36માં અવસાન પામ્યા , તેમના પુત્ર મહેરામણજી અને ત્યારબાદ તેમના પુત્ર સાહેબજી સરધારની ગાદીએ બેઠા હતા , ઇ.સ. 1694 માં સાહેબજી પછી તેમના પુત્ર બામણિયોજી સત્તાનશીન થયા , પણ મિયાણાઓ સાથેના ધીંગાણમાં ખપી ગયા . ત્યારબાદ મહેરામણજી દ્વિતીય ગાદીએ બેઠા . તેમણે જૂનાગઢના ઘણાં ગામો જીતી લીધા હતા .  આ સમયગાળામાં રાજકોટનું રાજકીય મહત્વ વધવા લાગ્યું , ઇ.સ. 1720 માં દિલ્હી સલ્તનતેમાસુમખાનને રાજકોટ અને સરધાર પર આક્રમણ કરવા મોકલ્યા , જે લડાઇમાં મહેરામણજીએ શહાદત વહોરી , માસુમખાને પોતાની જાગીરમાં સરધાર , જસદણ , ભાડલા , આણંદપુર વગેરેને ભેળવી રાજકોટમાં રાજધાની સ્થાપી . ઇ.સ. 1722 માં તેણે રાજકોટનું નામ બદલીને માસુમાબાદ રાખ્યું , મહેરામણજીના સાત કુંવરો પૈકી રણમલજીએ ઇ.સ. 1732 માં માસુમખાનને ઠાર માર્યો અને પિતાની ગાદી પાછી મેળવી.

ઇ.સ. 1760 માં મોગલ સત્તાનો સુર્યાસ્ત થયો , મરાઠાઓ કાઠીયાવાડના રાજાઓ પાસેથી કર વસુલ કરતા , મરાઠાનું લશ્કર રાજકોટની ભાગોળે પશ્ચિમ ઉત્તરે પડાવ નાંખીને રહેતુ , કોટની અંદર મર્યાદિત બની ગયેલા રાજકોટની બહાર મરાઠા છાવણી ભાવિ વિકાસનો પાયો નાખતી હતી . રાજકોટ ઠાકોર પાસેથી 638 એકર જમીન ભાડે મેળવનાર અંગ્રેજો આગળ જતાં સર્વોપરી બનીને બહાર આવ્યા અને રાજકોટ મહત્ત્વનું નગર બનવા લાગ્યું.

કોટની બહાર રાજકોટની પશ્ચિમે અંગ્રેજોની કોઠી , લશ્કરી થાણું , અમલદારોના બંગલા કચેરીઓ પારસી અગિયારી , સિવિલ સ્ટેશન વગેરેની રચના થઇ , સદર વિસ્તારને સિવિલ સ્ટેશન તરીકે ઓળખવામાં આવતું , રાજકોટના જોડીયા નગરમાં સિવિલ સ્ટેશનનો વહીવટ એક અલગ મેજીસ્ટ્રેટને સોંપાયો હતો. રાજકોટમાં ઇ.સ. 1888 માં રેલ્વે , 1868 માં રાજકુમાર કોલેજની સુવિધા , 1893 માં કોનોટ હોલ , વોટસન મ્યુઝિયમ , લેંગ લાયબ્રેરી વગેરે ઇમારતો બંધાય . દરમિયાન નદીપારના હાલના કુવાડવા રોડ , લાતી પ્લોટ ભાવનગર રોડ વગેરે વિસ્તારો જોડાતા ગયા .

1947 માં ભારત સ્વતંત્ર થયું , સૌરાષ્ટ્રરાજયની સ્થાપના થઇ , રાજકોટને પાટનગરનો દરજજો મળ્યો . આ સાથે જ ઠાકોરસાહેબનું રાજકોટ અને સદર વિસ્તાર ભળીને એક થઇ જતાં હાલનું અખંડ રાજકોટ અસ્તિત્વમાં આવ્યું . ઇ.સ. 1949 માં નગરની પ્રથમ લોકનિયુક્ત સુધરાઇ રચાઇ . રાજકોટની પ્રારંભિક છ હજારની વસ્તી 1901 માં વધીને 36 હજાર તથા 1951 માં 1.31 લાખે પહોંચી . 1981 માં 4.44 લાખ , 1991 માં સાડા પાંચ લાખ , 2001 માં 10 લાખ અને 2011 માં 13,46,192 ની વસ્તી થઇ છે . આધુનિક રાજકોટની વિકાસની યાત્રા અંગ્રેજ હકુમતના સમયમાં પણ આગળ ધપાવનાર મહારાજા શ્રી લાખાજીરાજ બાપુ પણ યશના હક્કદાર બને છે.

સુધરાઈથી મહાનગરપાલિકા સુધી

21 1

એ આશ્ચર્ય પ્રેરક હકીકત છે કે સ્વતંત્રતા મળી એ પહેલા (એટલે કે 1947 પહેલા) રાજકોટ શહેરમાં બે સુધરાઇ અસ્તિત્વમાં હતી . હાલ શહેરની મધ્યમાંથી પસાર થઇ રહેલા ઢેબર રોડ પર એ વખતે ગોંડલ સ્ટેટની માલિકીની રેલ્વેલાઇન પસાર થતી હતી , અને હાલના મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડીંગનો રોડના કાંઠા પરનો ભાગ રેલ્વે સ્ટેશન તરીકે ઉપયોગમાં લેવાતો હતો . આ સમયે રાજકોટ શહેર બે હિસ્સામાં વહેંચાયેલું હતું .

રેલ્વે ટ્રેકથી પશ્ચિમ તરફનો શહેરી વિસ્તાર બ્રિટીશ સલ્તનતના કબ્જા હેઠળ હતો અને સદર તરીકે ઓળખાતો હતો તથા રાજકોટ સિવીલ સ્ટેશન નામથી ઓળખાતી હકુમત દ્વારા સંચાલિત સુધરાઇ તંત્ર દ્વારા વિકાસ કાર્યો કરતા હતા .

જયારે રેલ્વે ટ્રેકની પૂર્વ તરફનો શહેરી વિસ્તાર રાજકોટ સ્ટેટની સલ્તનતની હેઠળ વિકસ્યો હતો , બ્રિટિશ સરકારની માફક રાજકોટ સ્ટેટ દ્વારા પણ પોતાની હદમાં સમાવિષ્ટવિસ્તારોની સુવિધા માટે સુધરાઇ ચલાવવામાં આવતી હતી અને મ્યુનિસિપલ સેક્રેટરી તરીકે શ્રી રામસિંહજી જાડેજા સુધરાઇનું સંચાલન કરતાં .

વધુ એક આશ્ચર્યજનક બાબત એ પણ જાણવા જેવી છે કે બંને સુધરાઇના તંત્રવાહકો કર સંબંધી તથા ઇત્તર ધારા ધોરણના જે નિયમો અમલમાં મૂક્યા હતા તે અલગ અલગ હતા . એક જ શહેરમાં બે સુધરાઇ અને અલગ અલગ નિયમો ! દેશને આઝાદી મળ્યા બાદ રાજકોટ શહેરના બંને ભાગ એક થઇ ગયા અને ઓર્ડીનન્સ નં . 10 અને 1949 સૌરાષ્ટ્ર આજ્ઞાપત્રિકા તા . 28 / 6 / 1949 માં પ્રસિદ્ધ થયા અનુસાર રાજકોટ બરો મ્યુનિસિપાલિટીની સ્થાપના થઇ અને તેનો વહીવટ બોમ્બે મ્યુ . બરો એકટ 1925 અને ગુજરાત મ્યુ . એકટ 1963 અનુસાર ચાલતો . સને 1951 માં થયેલી વસતિ ગણતરી પ્રમાણે રાજકોટ શહેરની લોકસંખ્યા 1,33,535 ની હતી . રાજકોટમાં સર્વપ્રથમ લોકનિયુક્ત સભાસદોની ચૂંટણી તા . 27 / 9 / 49 ના રોજ થઇ હતી , રાજકોટ બરો મ્યુનિસિપાલિટીના જનરલબોર્ડમાં 35 લોકનિયુકત પ્રતિનિધિશ્રીઓ હતા . જેમાં હરીજન અનામત અને સ્ત્રી અનામત કક્ષામાં બબ્બે બેઠકોનો સમાવેશ થતો હતો .

રાજકોટ બરો મ્યુ . ના સને 1951-52નાં વાર્ષિક અહેવાલમાં નોંધાયા પ્રમાણે જનરલ બોર્ડ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટી , પબ્લિક વર્કસ કમિટી , હેલ્થઍન્ડ સેનીટેશન કમિટી તથા રૂલ્સ કમિટી દ્વારા નિર્ણયો લેવામાં આવતા હતા . સને 1964-65માં બરો મ્યુનિસિપાલિટીનું રાજકોટ નગરપાલિકામાં રૂપાંતર થયું અને લોકનિયુક્ત પ્રતિનિધિશ્રીઓની સંખ્યા 40 થઇ હતી . રાજકોટ શહેરનું ભૌગોલિક બંધારણ ગુજરાત રાજય પંચાયત અને આરોગ્ય ખાતાના હુકમ નં . : કે . પી . (72) 251 આર.સી.એન. – 4172-1068 થી તા . 27/10/72 અનુસાર મંજુર થયેલ હતું દરમ્યાન તા . 19/11/1973 ના રોજ રાજકોટ નગરપાલિકાનું રાજકોટ મહાનગરપાલિકામાં રૂપાંતર થયું , ત્યારબાદ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ : 1949 હેઠળ તંત્ર કાર્યરત થયું . 69 ચો.કી.મી. ક્ષેત્રફળ ધરાવતા શહેરને કુલ : 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવ્યું . સભાસદોની સંખ્યા 51 નિયત થઇ અને તેમાં બે સીટ પછાત જ્ઞાતિ માટે અનામત હતી . તમામ વોર્ડમાં સભાસદોની સંખ્યા ( હાલ માફક ) સમાન ન હતી .

1995 માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઇ , એ પહેલાં રાજકોટની નવી વોર્ડ રચના અમલી બની અને તે પ્રમાણે 20 વોર્ડ રચાયા , જેમાં પ્રત્યેક વોર્ડમાં ત્રણ – ત્રણ કોર્પોરેટરોની સંખ્યા નિયત થઇ હતી . જુન’ 98માં રાજય સરકારીએ રાજકોટના પરા વિસ્તાર સમાન રૈયા નગરપાલિકા , નાનામવા નગર પંચાયત અને મવડી નગરપંચાયતના વિસ્તારો રાજકોટમા ભેળવી દેતા ક્ષેત્રફળ વધીને 104,86 ચો.કી.મી. થયું . 1999 માં રાજય સરકારશ્રીએ નવા ભળેલા વિસ્તારોને નવા ત્રણ વોર્ડમાં વિભાજીત કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ અને રાજકોટ મહાનગરપાલિકાની 69 બેઠકો માટે ચૂંટણી થઇ હતી , જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 44 અને ભાજપને 25 બેઠકો પ્રાપ્ત થઇ હતી . આ બોર્ડ 15 મી ઓકટોબર -2000 ના રોજ અસ્તિત્વમાં આવેલ હતું . જયારે ડીસેમ્બર -2010 થી નવી ચૂંટાયેલી બોડીએ કાર્યભાર સંભાળી લીધો હતો . 58 બેઠકોની બહુમતિ સાથે ભારતીય જનતા પાર્ટીએ શાસનની ધુરા સંભાળેલ , જયારે 11 બેઠકો સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ વિરોધપક્ષની જવાબદારી વહન કરી હતી . મેયરપદ માટેની મુદત અઢી વર્ષની હતી .

જ્યારે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુદત એક એક વરસની હતી . દરમ્યાન, જુન -1998 માં રાજકોટની હદ વિસ્તર્યા બાદ ફરી એક વખત જાન્યુઆરી -2015 માં રાજ્ય સરકારશ્રી એ રાજકોટની હદનું વિસ્તરણ કર્યું હતું . જેમાં કોઠારીયા ગ્રામ પંચાયતનો 17.86 ચો.કિ.મી. વિસ્તાર અને વાવડી ગ્રામ પંચાયતનો 6.49 ચો.કિ.મી. વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવી દેવાતા રાજકોટ શહેરનું ક્ષેત્રફળ 104.86 ચો.કિ.મી. થી વધીને 129.21 ચો.કિ.મી. થયું છે . સાથો સાથ રાજકોટ મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકનમાં શહેરના 23 વોર્ડની સંખ્યા ઘટાડીને 18 કરવામાં આવી અને અગાઉ વોર્ડ દીઠ ત્રણ ત્રણ કોર્પોરેટરની જે સંખ્યા હતી તે વધારીને ચાર ચાર કરાતા શહેરમાં કુલ 72 કોર્પોરેટરની સંખ્યા નિશ્ચિત થઈ હતી . નવેમ્બર 2015 માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની આ 72 બેઠકો માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 38 અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 34 બેઠકો પ્રાપ્ત થઈ હતી.

24

તા . 14-12-2015ના રોજથી નવી ચૂંટાયેલી પાંખે કાર્યભાર સંભાળેલ હતો . જેમાં , મેયરપદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદનો કાર્યકાળ 2 વર્ષ 6 માસનો અને ડેપ્યુટી મેયર પદનો કાર્યકાળ એક વર્ષનો હતો જે ગત ડિસેમ્બર , 2016 થી 2 વર્ષ 6 માસનો નક્કી કરવામાં આવેલ.

2015 માં રાજકોટની હદ વિસ્તારમાં વધારો થયા બાદ વધુ એક વખત જુન , 2020 માં રાજ્ય સરકારશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ કર્યું હતું . જેમાં મોટા મૌવા , મુંજકા , ઘંટેશ્વર અને માધાપર ગ્રામ પંચાયત (મનહરપુર -1 સહિત) હદ વિસ્તારનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થતાં રાજકોટનું કુલ ક્ષેત્રફળ 161.86 ચો.કિ.મી. થયું છે .

ચલાવી લીધું…..

દરિયો ન મળ્યો તો કિનારાથી ચલાવી લીધું,

ચાંદ તમે લઇ ગયા, મેં તારાથી ચલાવી લીધું.

સંભવાય છે પ્રકૃતિનું સંગીત અને ચોતરફ,

મારી પાસે કંઇ ન્હોતું, એકતારાથી ચલાવી લીધું.

દોસ્તોના ફાર્મહાઉસ જોઇને કાયમ રાજી થાઉં છું,

 મેં નાનકડા તુલસીકયારાથી ચલાવી લીધું.

મને એમ કે તમે આવીને વહેતી નદી બતાવશો,

તમે ન આવ્યા, મેં અશ્રુધારાથી ચલાવી લીધું.

કોણ ઓળખતું’ તું આ ગામમાં મને તે દિવસે ?

 તમે કોઇ ન્હોતા, મેં મારાથી ચલાવી લીધું.

-નીલેશ પંડયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.