બીએસએનએલના ઓપ્ટિકલ ફાયબર કેબલમાં ફોલ્ટ આવતા અવારનવાર સર્જાતી સમસ્યા : અરજદારો પરેશાન
સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની કામગીરી, ઝોનલમાં રાશન કાર્ડની કામગીરી તેમજ આધાર કાર્ડની કામગીરીને અસર
અબતક, રાજકોટ : જિલ્લાભરની કચેરીઓમાં કનેક્ટિવિટી ખોરવાઈ જતા ઓનલાઇન કામો ઠપ્પ થઈ ગયા હતા. બીએસએનએલના ઓપ્ટિકલ ફાયબર કેબલમાં ફોલ્ટ આવતા અવારનવાર કનેક્ટિવિટીની સમસ્યા સર્જાઈ રહી છે. જેને લઈને ગત શુક્રવારના રોજથી અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લાની સરકારી કચેરીઓમાં અગાઉ કનેક્ટિવિટીની વ્યાપક સમસ્યાઓ સર્જાતી હતી. ત્યારબાદ થોડી રાહત થયા પછી હવે ફરી કનેક્ટિવિટીનો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. ગત શુક્રવારના રોજ પણ સરકારી કચેરીઓમાં કનેક્ટિવિટી ખોરવાઈ જવા પામી હતી. ત્યારબાદ શનિવારના રોજ પણ બપોરથી સાંજ સુધી કનેક્ટિવિટી ઠપ્પ થઈ જતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.
શુક્રવાર અને શનિવારના રોજ કનેક્ટિવિટીના ધાંધીયા સર્જાયા બાદ આજે સોમવારના રોજ ઉઘડતા દિવસે અનેક અરજદારો પોતાના કામ લઈને સરકારી કચેરીએ પહોંચ્યા હતા. ત્યારે ફરી સોમવારે પણ બપોરે 12 વાગ્યા આસપાસ કનેક્ટિવિટી ખોરવાઈ જતા અરજદારો અકળાઈ ઉઠ્યા હતા. જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયતો, સબ રજિસ્ટ્રાર કચેરીઓ તેમજ કોર્પોરેશનની કચેરીઓમાં આ સમસ્યા જોવા મળી હતી.
કનેક્ટિવિટી ખોરવાઈ જતા તમામ ઓનલાઇન સરકારી કામો ઠપ્પ થઈ જવા પામ્યા હતા. આ સમસ્યા અંગે બીએસએનએલનો સંપર્ક કરતા ત્યાંના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે બીએસએનએલના ઓપ્ટિકલ ફાયબર કેબલમાં ફોલ્ટ સર્જાતા કનેક્ટિવિટીની સમસ્યા સર્જાય રહી છે. છેલ્લા ઘણા સમયથી ઓપ્ટિકલ ફાયબર કેબલમાં ક્ષતિ આવવાનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. જેને કારણે અવારનવાર કનેક્ટિવિટીના ધાંધિયા સર્જાઈ રહ્યા છે.
કોર્પોરેશનના ઓનલાઇન કામો પણ ઠપ્પ : અરજદારો રાહ જોઇને થાક્યા
સરકારી કચેરીઓમાં બીએસએનએલની કનેક્ટિવિટીનો વપરાશ થાય છે. પણ આજે કનેક્ટિવિટી ખોરવાઈ જતા કોર્પોરેશનમાં પણ ઓનલાઇન કામો ઠપ્પ થઈ ગયા હતા. આધારકાર્ડ સહિતની કામગીરી બંધ થતાં અરજદારો રાહ જોઈ જોઈને થાક્યા હતા. આ ઉપરાંત રાશન કાર્ડની ઓનલાઇન કામગીરી પણ બંધ થઈ ગઈ હતી. જેને કારણે સુધારા કરવા આવેલા અરજદારોનો મોટો જમાવડો ઝોનલ ઓફિસોમાં જામ્યો હતો.