રાજ્યની 6 મહાનગરપાલિકામાં મતગણતરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. તમામ છ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડી રહ્યો હોય તેનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. કોંગ્રેસનો સૌથી કંગાળ દેખાવ રાજકોટમાં થયો હોય તેવું લાગી રહ્યું છે. તો રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરનો પણ પરાજય થતા કોંગ્રેસને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. તો પરાજય મળ્યા બાદ અશોક ડાંગરે કેટલાક આક્ષેપો કરી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.
પોલીસને હાથો બનાવ્યાનો આરોપ
ખુદ રાજકોટ શહેર કોગ્રેસ પ્રમુખની પણ મનપાની ચૂંટણીમાં કારમો પરાજય થયો છે. હાર બાદ પત્રકારો સાથે વાતચિતમાં અશોક ડાંગરે જણાવ્યું કે પરિણામ આશ્ચર્યજનક છે. ભાજપે તંત્રનો ગેરઉપયોગ કર્યો હતો અને પોલીસને હાથો બનાવી આ જીત મેળવી છે. રાજકોટ CM રૂપાણીનું શહેર હોવાને કારણે ભાજપે અહીં એડીચોટીનું જોર લગાવ્યું હતું, જો ભાજપનો અહીં પરાજય થયો હોત તો મુખ્યમંત્રી પણ બદલવા પડ્યા હોત. તેમ છતા જનતાનો નિર્ણય માથે છે.