શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલરોના આડેધડ થતા ટોઈંગ અને આકરા દંડ સામે કોંગ્રેસ આગેવાનોએ અવાજ ઉઠાવ્યો છે અને આ અંગે ટૂંક સમયમાં પોલીસ કમિશનર અને મ્યુ.કમિશનરને ટ્રાફિક સમસ્યા અંગે આવેદન આપવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, શહેર કોંગી મહામંત્રી રમેશભાઈ તલાટીયા, ફરિયાદ સેલ કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું છે કે, રાજકોટ મેગા સિટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળરૂપ ધારણ કરી રહી છે. ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાની બે ધારી નીતિથી શહેરમાં ટુ વ્હીલર્સ ચાલકો પાર્કિંગના નામે લાખોની લૂંટ પોલીસ ચલાવી રહી છે. તેનો સખત શબ્દોમાં કોંગ્રેસ વિરોધ કરે છે.રાજકોટમાં સફેદ પટ્ટા, પીળા પટ્ટા અને નો પાર્કિંગ ઝોનના બોર્ડ ન હોય તેવી જગ્યાએ વાહનો અડચણરૂપ ન હોય તો ના ઉપાડવા જોઈએ તેમ છતાં પોલીસ અને ટ્રાફિક વોર્ડન અને કોન્ટ્રાકટના માણસો દ્વારા ટપોરી જેવું વર્તન કરી દાદાગીરી કરી વાહનો ટપોટપ ઉપાડી 700 રૂા. જેવો તોતીંગ દંડ વસુલી આમ પ્રજા માથે લાખોનો લૂંટનો કોરડો વિંઝે છે.
ગોંડલ રોડ અને ઢેબર રોડ પરની એસ.બી.આઈ. બ્રાંચમાં આવતા ગ્રાહકો અને નાના પેન્શન ધારકો પોલીસની લુંટનો ભોગ બને છે. ગોંડલ રોડ પર ભક્તિનગર સ્ટેશન તરફ જતાં રસ્તે કોર્નરથી થોડે દૂર રોડ પરની આ બેંક પર સફેદ પટ્ટા, પીળા પટ્ટા કે નો પાર્કિંગના બોર્ડના હોવા છતાં રોજબરોજ ટુ-વ્હીલરર્સ ઉઠાવી જઈ તોતીંગ દંડ વસુલે છે જે પગલે ટ્રાફિક એસીપી-બેંક મેનેજર મહાનગરપાલિકાના અધિકારીઓને કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી તાકીદે નો પાર્કિંગ હોય તો બોર્ડ લગાવવા ટેલીફોનિક રજૂઆત કરી હતી અને રૂબરૂમાં પણ રજૂઆત કરી હતી.
શહેરમાં કંપનીઓ દ્વારા ખોદાતા રસ્તા ઉપર ડામર કામમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારો બાદ શહેરના મુખ્ય માર્ગો પરના કેટલાંક માર્ગો પર નવો ડામર થતાં સફેદ કે પીળા પટ્ટા નથી. પાર્કિંગ ઝોન પણ નથી. ટ્રાફિક એસીપી અને મહાનગરપાલિકાના ટ્રાફિક ટ્રાન્સપોર્ટના અધિકારી દ્વારા ચલક-ચલાણું રમી ટ્રાફિક પટ્ટા અંગે ખો આપી હતી.
સફેદ પટ્ટા શેના એ વિશે ટ્રાફિક પોલીસ ઈન્સ.ને પુછતા બોલ્યા જાણકારી નથી એસીપીને પુછો તેવો જવાબ અપાયો હતો. પોલીસ કમિશનર, મ્યુ.કમિશનરને ટૂંક સમયમાં ટ્રાફિક સમસ્યા અંગે આવેદન અપાશે જે અંગે પ્રશ્ર્નો હોય તો ગજુભા મો.94262 29396, રમેશભાઈ મો.98245 37618 પર જણાવી દેવા અપીલ કરાઈ છે