ઉમેદવારોની યાદી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી ગયા!!
કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે. જાહેર થાય તે પૂર્વે જ ઉમેદવારો ફોર્મ ભરવા પણ પહોંચી ગયા હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આજે સવારના સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત માટે ૩૬ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા અને પૂર્વ ઉપ પ્રમુખ સુભાષ માંકડીયા તેમજ અવસર નાકિયાની બાદબાકી કરવામાં આવી છે. અવસર નાકિયાને જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયા સામે હાર મળી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસની જેમ જિલ્લા કોંગ્રેસમાં પણ કકળાટ હોવાના કારણે ઉમેદવારોની યાદી જાહેર કરવા થોડું મોડું થયું હતું. જો કે આમ છતાં પણ કેટલાક મુખ્ય આગેવાનોને ફોનથી જાણ કરી દેતા તેઓ આજે યાદી જાહેર થાય તે પહેલાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયા સામે હાર થતા તેમને આ વખતે જિલ્લા પંચાયત ચૂંટણીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતને બચાવનાર અર્જુન ખાટરીયાને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ભાજપ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગત ટર્મમાં ભાજપનો જિલ્લા પંચાયતમાં બે બેઠક પર વિજય થયો હતો. બાદમાં જિલ્લા પંચાયતને તોડવા માટે પ્રયાસો શરૂ થયા હતા.
ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં અગાઉ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રીતસરની જામી હતી. સતાની લાલસામાં અનેક લોકોએ પક્ષ પલટો કર્યો હતો. ત્યારે હવે આ સામાન્ય ચૂંટણીનું પરિણામ ખૂબ રસપ્રદ રહેવાનું હોય પરિણામ ઉપર સૌની મીટ મંડાયેલી છે.
પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, પૂર્વ ઉપપ્રમુખ સુભાષ માકડીયા અને અવસર નાકીયાની બાદબાકી
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં અમુક જુના નેતાઓની બાદબાકી કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, પૂર્વ ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયા અને અવસર નાકિયાનો સમાવેશ થાય છે. જો કે ખાટરીયા દંપતીમાંથી અર્જુનભાઈ ઉમેદવાર જાહેર થયા હોય તેમનામાં નારાજગી ઉઠવાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે અવસર નાકિયા એક સમયે કુંવરજી બાવળિયા સામે વિધાનસભા લડ્યા હોય આવા કદાવર નેતાની ટીકીટ કપાતા તેઓમા તેમજ પક્ષને વફાદાર રહી વર્ષોથી સેવા આપતા પૂર્વ પ્રમુખ સુભાષભાઈ માકડીયામાં નારાજગી જોવા મળે તો નવાઈ નહિ.