સામાન્ય રીતે લોકોના મનમાં એવી છાપ છે કે, ખાદી ભંડારમાંથી ખરીદવામાં આવતી તમામ વસ્તુઓ શુદ્ધ અને સંપૂર્ણપણે ભેળસેળ રહીત છે. શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામદ્યોગ ટ્રસ્ટ સંચાલીત ગ્રામ્ય શીલ્પ ભંડારમાંથી લેવામાં આવેલો લાલ મરચા પાવડરનો નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર થતાં સંચાલકને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ટોપરાના લાડુ, મીઠુ અને કોલાપુરી ગોળનો નમુનો પણ નિષ્ફળ જાહેર થયો છે. ચાર સ્થળેથી મિનરલ વોટરના નમુના લેવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકારની સુચના મુજબ 25 સસ્તા અનાજની દુકાનમાંથી પણ ખાદ્ય સામગ્રીના નમુના લેવાયા છે.
આ અંગે કોર્પોરેશનના આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વિદ્યાનગર મેઈન રોડ પર ગ્રામ શિલ્પ ખાદી ભંડારમાંથી લેવામાં આવેલા લાલ મરચા પાવડરમાં નમકની હાજરી મળી આવી હતી. તથા ટોટલ ડ્રાયેસ્ટનું પ્રમાણ વધુ હોવાના કારણે નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. હિયરીંગ બાદ જવાબદાર એવા નમુનો આપનાર હરીભાઈ લાખાભાઈ જાદવ તથા ગ્રામ્ય શિલ્પ ખાદી ભંડાર (પેઢી)ને રૂા.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુરૂનાનક મંદિર પાસે પરસાણા નગર-1માંથી ઓમ ગૃહ ઉદ્યોગમાંથી ટોપરાના લાડુનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં ર્ટાર્ટાઝીન કલરનું પ્રમાણ વધુ માત્રામાં જણાતા નમુનો નિષ્ફળ ગયો હતો અને પેઢીના માલીક હિરાલાલ દોલતરામ રોચવાણીને એક માસની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જ્યારે માર્કેટીંગ યાર્ડ સામે સંતકબીર રોડ પર તાજ સોલ્ટ સપ્લાયર્સમાંથી પ્રાઈમ રિફાઈન આયોડાઈઝ સોલ્ટનો નમુનો લેવાયો હતો જેમાં આયોડીનનું પ્રમાણ વધુ હોવાના કારણે નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. હિયરીંગ બાદ નમુનો આપનાર અકબર અલી રાજાણી, હોલસેલર પેઢી તાજ સપ્લાયર અને ઉત્પાદક પેઢી દિપક મેઘાણી તથા કોટેશ્ર્વર કેમફૂડ ઈન્ડ. પ્રા.લી.ને 1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 20 જાગનાથ પ્લોટમાં બાટવીયા બ્રધર્સમાંથી કોલાપુરી ગોળનો નમુનો લેવાયો જેમાં સલ્ફરનું પ્રમાણમાં વધુ મળતા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. બાટવીયા બ્રધર્સના ભાગીદારો અને સોલ્ટ સપ્લાયર પેઢીને રૂા.40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આજે આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લક્ષ્મીનગર મેઈન રોડ પર મહાદેવવાડી મેઈન રોડ સ્થીત મારૂતી કૃપા સ્થિત મેક્સ બેવરજીસમાંથી બિસ્ટાર પેકેજ ડ્રીંકીંગ વોટર, મવડી મેઈન રોડ પર 4-વેદવાડીમાંથી બિસ્વીન પેકેજ વોટર, એસટી વર્કશોપ પાછળ સમ્રાટ ઈન્ડ. એરીયામાં બિલ્સન બેવરજીસમાંથી બિલ્સન પેકેજ ડ્રીકીંગ વોટર અને કોઠારીયા રોડ પર બ્રાહ્માણી હોલ પાસે એકવા ફૂડ અને એકવા ફેસ વોટર ડ્રીંકીંગનો નમુનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારની સુચના મુજબ ફૂડ વિભાગ દ્વારા આંગણવાડી અને જેલના કેદીને અપાતા ફૂડ કિચનમાંથી પુરવઠાના ગોડાઉન અને સસ્તા અનાજની દુકાનમાંથી કુલ 25 સ્થળેથી ચોખા, તુવેર, ખાંડ, ઘઉં, મીઠુ, મરચુ, હળદર, ધાણાજીરૂ, કપાસીયા, ફરસીપુરી, ભાવનગરી ગાઠીયા, સેવ, સુખડી, ગોળ, ઘઉંનો લોટ, સીંગદાણાનો ભુકો, ચણાનો લોટ અને સીંગતેલ સહિતની ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા છે.