પોલીસ કમિશ્નરને વિવિધ મુદ્દે આવેદન પત્ર પાઠવી સ્થિતી સુધારવા માંગ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિથરે હાલ બની છે જે રીતે સમગ્ર શહેરમાં વિવિધ પ્રકારના ગુનાઓનો વ્યાપ વધતો જાય છે જેમાં પણ અપહરણ, ખંડણી, હત્યાઓ, લૂંટફાટ, સાયબર ક્રાઇમના ગુનાઓ જેવી પ્રવૃત્તિઓ વધી જવા પામી છે  શહેર પોલીસમાં ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવા અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાથી ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો છે અને વખતોવખત નવી તરકીબો મુજબ રાજકોટ શહેરની ક્રાઈમ બ્રાન્ચના કરતૂતો પ્રકાશમાં આવતા જ રહે છે. જે ડામવામાં  શહેર પોલીસ કમિશનર અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ નાકામિયાબ પુરવાર થયા છે.

રાજકોટ શહેર ટ્રાફિકની વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે વિવિધ માર્ગો બજારો સતત ટ્રાફિકજામ રહે છે શહેર ટ્રાફિક બ્રિગેડોના હવાલે હોવાનો તાલ છે ભીડભાળ વાળા ટ્રાફિક પોઇન્ટથી દૂર ઊભા રહી પોલીસમેન અને ટ્રાફિક પોલીસ  મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. તેમજ ટોઈંગ વાનમાં આવેલ લેડીસ પોલીસ દાદાગીરી કરી લોકો પાસે થી પૈસા ઉઘરાવે છે. શહેરના હોસ્પિટલ ચોક, અદાલત રોડ,  ઢેબર રોડ, મહાનગરપાલિકા ચોક એસ ટી બસ સ્ટેશન પાછળ નો રોડ 150 ફૂટ રીંગ રોડ, કાલાવડ રોડ, સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર ઉભી રહેતી મીની બસો તુફાન ઝીપો મુસાફરો લેવા રોડ અને ચોકમાં ગેરકાયદેસર વાહનોના ખડકલા બનાવેલા હોય છે.  ત્યારે દંડ અને મેમા દ્વારા વસૂલી આમ પ્રજાને કનડગત કરતી પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં બિલકુલ રસ દાખવતી નથી. ઉપરોક્ત મુખ્ય રસ્તાઓમાં ટ્રાફિક કલાકો સુધી જામ રહે છે.

સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં જેમ કે જામનગર, ભાવનગર, જૂનાગઢ ના મુખ્ય શહેરોમાં ભારે વાહનો માટે જે પ્રતિબંધ છે તેનો કડકાઈથી અમલ કરવામાં આવે છે પરંતુ રાજકોટ માં ભારે વાહનો બે રોકટોક શહેરભરમાં ઘૂસી જાય છે  પોલીસ કમિશનર કચેરી અને રાજકોટ મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કમિશનર કચેરી વચ્ચે સંકલનના અભાવે અને જાહેર રસ્તાઓ પર સફેદ કે પીડા પટ્ટા ના પાર્કિંગ ન હોવાને પગલે પોલીસ ટુ-વ્હીલર ના વાહનો આડેધડ ઉઠાવી લેવામાં આવે છે. અને આવા વાહનોમાં ક્યારેક કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઇન્ડિકેટર કે નેમ પ્લેટ તોડી નુકસાની પણ કરવામાં આવતી રહે છે. ચા કરતા કેટલી ગરમ હોય તેમ પોલીસ કરતાં આ કોન્ટ્રાક્ટરોના માણસોનું સિનિયર સિટીઝનો અને મહિલાઓ સાથેનું ઉદ્ધતાઇભર્યું અને બેહુદુ વર્તન હોય છે.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસનુ હાર્ટ ગણાય છે. આ બ્રાંચમાં નિયુક્ત થયેલા પોલીસ કર્મચારીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓના હાથા બનીને ઉઘરાણા કરતા હોય તેવું સ્પષ્ટ જણાય છે તો તાજેતરની ઓડિયો ક્લિપ થી રાજકોટ શહેર પોલીસ તંત્રનું નાક કપાયું છે.  શહેરની ખાડે ગયેલી ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા, શહેર પોલીસમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર બંધ કરવા કાયદો અને વ્યવસ્થાની ચિંથરે હાલ બનેલી સ્થિતિ સુધારવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ની  માંગણી છે.શહેર પોલીસ કમિશ્નર ને લેખીત રજુઆત કરવામાં આવી છે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, મનપાના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, અતુલ રાજાણી, મુકેશભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, ગજુભા ઝાલા પ્રવિણભાઇ તુષાર નંદાણી કૃષ્ણકાંત રાવલ અને વિરલ ભટ્ટ સહીતના હાજર રહ્યા હતા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.