બ્રિજના કોન્ટ્રાક્ટરો સાથે પદાધિકારીઓ અને અધિકારીઓની મિટિંગ: વધુ એક વખત કામમાં ઝડપ વધારવા કરાતી તાકીદ
કરોડો રૂપિયાની ઓન ચૂકવવામાં આવી હોવા છતાં શહેરમાં અલગ-અલગ પાંચ સ્થળોએ ચાલતા બ્રિજના કામ નિયત સમય મર્યાદામાં પૂરા થતાં નથી. એજન્સી દ્વારા તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે. બ્રિજના કામના લીધે વાહન ચાલકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજના લોકાર્પણની તારીખો જાહેર કરવા માટે ગઇકાલે કોંગ્રેસ દ્વારા શાસકોને પડકાર ફેંકવામાં આવ્યો હતો. દરમિયાન આજે બ્રિજના કોન્ટ્રાક્ટરો સાથે પદાધિકારીઓ અને અધિકારીઓએ તાકીદની બેઠક યોજી હતી. દરમિયાન વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે જ બ્રિજના કામો ઝડપથી પૂર્ણ કરવા કડક તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બિન સત્તાવાર રીતે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું કામ ઓગસ્ટ માસમાં પૂર્ણ થઇ જશે અને 15 ઓગસ્ટ પહેલા બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવશે તેવી ડંફાસો પદાધિકારીઓ દ્વારા હાંકવામાં આવી હતી. ઓગસ્ટ મહિનો પૂરો થવા પર છે છતાં હજુ ક્યારે સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ ખૂલ્લો મૂકી શકાય તે નક્કી નથી. આ ઉપરાંત નાનામૌવા સર્કલ, રામપીર ચોકડી, જડ્ડુસ સર્કલ સહિતના રાજમાર્ગો પર બની રહેલા બ્રિજનું કામ પૂર્ણ કરવાની મુદ્ત પૂરી થઇ ગઇ છે છતાં કામ પૂરા થયા નથી.
પાંચેય બ્રિજના કામ માટે કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાની ઓન ચૂકવવામાં આવી છે છતાં નિયમ સમય મર્યાદામાં બ્રિજના કામ પૂર્ણ થતાં ન હોવાના કારણે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે બપોરે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વધુ એક વખત બ્રિજ કોન્ટ્રાક્ટર સાથે તાકીદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કડક ભાષામાં એવી સૂચના આપવામાં આવી છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણીની આચારસંહિતા લાગૂ પડે તે પૂર્વે સિવિલ હોસ્પિટલ ચોક, નાનામૌવા સર્કલ અને જડ્ડુસ ચોક બ્રિજનું કામ કોઇપણ ભોગે પુરૂં કરી દેવું.
સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઇ ગયું છે. હવે માત્ર ડામર કામ અને એપ્રોચ રોડનું કામ જ બાકી છે. જ્યારે નાનામૌવા સર્કલ ખાતે બની રહેલા બ્રિજનું કામ 85 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. આ બ્રિજ 30 સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઇ જાય તેવી સંભાવના છે. જ્યારે જડ્ડુસ ચોક ખાતે નિર્માણાધીન બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી સંભાવના છે. આ ત્રણેય બ્રિજ ચૂંટણી પહેલા વાહન ચાલકો માટે ખૂલ્લા મૂકી દેવામાં આવશે. પરંતુ રામાપીર ચોકડી અને કેકેવી સર્કલ ખાતે બની રહેલા બ્રિજનું કામ ચૂંટણી બાદ પૂર્ણ થશે.