બંને પોલીસમેનની ક્રાઈમ બ્રાન્ચમાં નિમણુંક
રાજકોટમાં પ્રેમમંદિર પાસે રવિ પાર્કમાં પૂર્વ પત્ની સરિતા પર ફાયરિંગ કરી ભાગેલા પૂર્વ પતિ આકાશ મૌર્યની રિક્ષાનો કારમાં પીછો કરી પકડાવવામાં મદદરૂપ થયેલા જાગૃત નાગરિક કૃણાલ શૈલેષભાઇ ચુડાસમા, તેના મિત્રો પ્રતિક અમીતભાઇ રાઠોડ, જયભાઇ રસ્મીકભાઇ કાલરીયા અને હિરેનભાઇ હિતેષભાઇ પીઠલાણીનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સન્માન કરી પ્રસંશાપત્ર એનાયત કર્યુ હતું.
આરોપીનો હિંમતભેર પીછો કરી પોલીસની મદદ કરનાર કૃણાલ ચુડાસમા અને મિત્રોને પ્રશંસાપત્ર એનાયત કરતા પોલીસ કમિશ્નર
જ્યારે ઇન્દિરા સર્કલ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા લોક રક્ષક કુલદીપસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજાએ સમયસર માધાપર ચોકડીએ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા નિતેશભાઇ ભરતભાઇ બારેયાનો મોબાઇલમાં સંપર્ક કરી રિક્ષા નંબર આપી અટકાવવા અને તેમાં બેઠેલા મુસાફરે ફાયરિંગ કરી હત્યા કર્યા અંગેની જાણ કરતા નિતેશભાઇ બારૈયાએ રિક્ષા અટકાવી આકાશ મૌર્યની ધરપકડ કરી યુનિર્વસિટી પોલીસને સોપી દીધો હતો. હત્યા કેસના આરોપીને બહાદુરી પૂર્વક ઝડપી લેતા બંને લોક રક્ષકનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સન્માન કરી બંનેનની ક્રાઇમ બ્રાન્ચમાં નિમણુક આપી છે.
શું હતો બનાવ..??
યુનિર્વસિટી રોડ પર આવેલા રવિ પાર્ક શેરી નંબર 10માં રહેતી સરિતા પંકજભાઇ ચાવડા નામની 26 વર્ષની કુંભાર પરિણીતા પર દેશી બનાવટના તમંચાથી ફાયરિંગ કરી આકાશ રામાનૂજ મૌર્ય નામના શખ્સે હત્યા કર્યાની યુનિર્વસિટી પોલીસ મથકમાં જાણ થતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વી.કે.ગઢવી, યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા અને પી.એસ.આઇ. એ.બી.જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.
આકાશ મૌર્યની પૂછપરછ દરમિયાન સરિતા મુળ ગોરખપુરની વતની અને પોતાના પિતા રામાનૂજ મૌર્યની કાપડની દુકાનમાં કામ કરતી હતી ત્યારે પરિચયમાં આવતા બંનેએ લગ્ન કર્યા હતા તે અંગેનું પોતાની પાસે મેરેજ સર્ટીફિકટે પણ હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું.