રાજકોટની એકરંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો માટે તાત્કાલિક ઘોરણે ઘઉં, ચોખા, તેલ સહિતનું રાશન અપાયું
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને અમુલ સર્કલ પાસે આવેલી એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલોપમેન્ટ દ્વારા સંચાલિત સંસ્થામાં રહેતી દિવ્યાંગ બાળાઓ માટે જરૂરી રાશનનો જથ્થો તાત્કાલિક ધોરણે પહોંચાડવા તંત્રને તાકીદ કરી સંવેદના સભર સહાય પહોંચતી કરી હતી.
એકરંગ સંસ્થા ખાતે ૪૦ જેટલી મનોદિવ્યાંગ બાળા તથા કેરટેકર સ્ટાફ સહિત કુલ ૫૦ વ્યક્તિઓને
લોકડાઉનના લીધે જરૂરી સામગ્રીનો જથ્થો મેળવવામાં મુશ્કેલી પડતી હોવાની જાણ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને થતાં તેમણે તાત્કાલિક ધોરણે રેશનનો જથ્થો પહોંચાડયો હતો.
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની સુચનાથી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક આ સંસ્થાને ૧૦૦ કિલો ઘઉં, ૫૦ કિલો ચોખા, ૫ કિલો મગ દાળ, ૫ કિલો ગોળ, સીંગતેલ સહિતનું કરિયાણું લાભાર્થીઓને પહોંચતું કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સંચાલક દંપતી કમલેશભાઈ પ્રજાપતિ, દિપીકાબેન પ્રજાપતિએ તંત્ર અને સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
દરેક જરૂરી સુવિધા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ: રાજુભાઇ ધ્રુવ
રાશન વિતરણ વખતે ઉપસ્થિત રહેલા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવએ જણાવ્યું હતું કે, આ સંસ્થાથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને વાકેફ કરાયા છે અને દરેક જરૂરી સુવિધા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે.
લોકોની સેવા એ જ તંત્રનો ઉદ્દેશ્ય પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, કટોકટીના સમયમાં લોકોની સેવા એ જ વહીવટી તંત્રનો અંતિમ ઉદ્દેશ છે. કોઈપણ મુશ્કેલીમાં હોય તો હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધતા તેનું નિવારણ લાવવા તંત્ર કટિબદ્ધ છે.