ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે અપીલ બોર્ડ, લેન્ડગ્રેબિંગ, પુરવઠાનું બોર્ડ, સરફેસી એકટ હેઠળ કાર્યવાહી સહિતની મહેસુલી કામગીરી શરૂ કરાશે
લોકશાહીનો પર્વ ગણાતી ચૂંટણીની કામગીરીમાં અધિકારીઓ વ્યસ્ત હોય કલેકટર કચેરીની રૂટિન કામગીરીને પણ અસર થઈ છે. પણ હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોમવારથી કલેકટર કચેરીમાં મહેસુલી કામગીરીનો ધમધમાટ શરૂ થશે.
રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, જેતપુર, ધોરાજી અને ગોંડલની ચૂંટણીની તૈયારીઓમાં અધિકારીઓ વ્યસ્ત હોવાથી કલેકટર કચેરીની રૂટિન કામગીરી ખોરવાઈ ગઈ હતી. ખાસ કરી જિલ્લા ચૂંટણી અધિકારીની જવાબદારી જિલ્લા કલેકટર સંભાળતા હોય અને તમામ પ્રાંત અધિકારીઓ વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર તથા મામલતદારો આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની જવાબદારી સંભાળતા હોય દિવસ રાત એક કરીને ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે.
ચૂંટણી એ લોકશાહીનો મોટો પર્વ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવતા અનેકવિધ મહેસુલી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જો કે અધિકારીઓએ તમામ વ્યવસ્થા માટે ટોપ ટું બોટમ સુધીનું સુચારુ આયોજન કર્યું હોય જિલ્લાની આઠેય બેઠકોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું.
હવે આવતીકાલે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. અને શનિવારના રોજ આચાર સંહિતા પણ પૂર્ણ થઈ રહી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે છેલ્લા એક મહિનાથી જે મહેસુલી કામો પેન્ડિંગ રહ્યા છે તે પૂર્ણ કરવા કલેકટર ઓફિસ, પ્રાંત અને મામલતદાર કચેરીઓમાં સોમવારથી મિશન મોડમાં કામ શરૂ થવાનું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કલેકટર કચેરીમાં અપીલ બોર્ડ, લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, પુરવઠાના બોર્ડ, સરફેસી એકટની કલમ 14 હેઠળની કાર્યવાહી સહિતની અનેક મહેસુલી કામગીરી થઈ નથી. જે આગામી સોમવારથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.