- પ્રેરણાદાયી પહેલ: દિવ્યાંગોના કલ્યાણ અર્થે પહેલીવાર રાજકોટમાં મોબાઇલ કોર્ટનું આયોજન
- દિવ્યાંગોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે કોર્ટ તેમના આંગણે આવી છે: કમિશનર વી.જે. રાજપૂત: દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં આશરે 70થી વધુ દીવ્યાંગોના કેસોની સુનાવણી કરાઈ તેમજ દિવ્યાંગોને ડીસએબીલીટી સર્ટિફિકેટ અપાયા
રાજકોટમાં દિવ્યાંગો માટેના કમિશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના દિવ્યાંગોના પ્રશ્નોના નિવારણ અર્થે સૌપ્રથમ વાર કલેકટર કચેરી ખાતે દિવ્યાંગોના કમિશ્નર, ગાંધીનગર વી. જે. રાજપૂતના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં દિવ્યાંગ મોબાઈલ કોર્ટ યોજાઈ હતી.
દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં આશરે 70થી વધુ દિવ્યાંગોના કેસોની સુનાવણી કરવામાં આવી હતી અને મહત્તમ કેસોનો સ્થળ પર ત્વરિત ઉકેલ લાવવામાં આવ્યા હતા. આ કેસોમાં દિવ્યાંગોને થતાં અન્યાય, દીવ્યાંગો સાથે થતો ભેદભાવ, રેલવે સ્માર્ટ કાર્ડ, દિવ્યાંગ પેન્શન, મૂક-બધિર બાળકોના શિક્ષણ અંગેના પ્રશ્નો બેંક લોન, રહેઠાણ માટે પ્લોટ વગેરે જેવા પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી હતી. મોબાઈલ કોર્ટમાં દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થાઓએ પણ સમસ્યાઓ રજૂ કરી હતી.
આ ઉપરાંત, દિવ્યાંગ મોબાઈલ કોર્ટની સાથેસાથે દિવ્યાંગજનોની સ્થળ ઉપર તપાસ કરી તથા તેઓને ડીસએબીલીટી સર્ટીફીકેટ પાપ્ત થાય તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓર્થોપેડીક સર્જન, ઈ.એન.ટી. સર્જન, સાઈકીયાટ્રીસ્ટ, બાળરોગ નિષ્ણાંત, ફીઝિશિયન, સાયકોલોજીસ્ટ સહિતના તજજ્ઞોએ દિવ્યાંગનું ચેકઅપ કરી દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં દિવ્યાંગો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા દિવ્યાંગોના કમિશ્નર વી. જે. રાજપૂત તથા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કલેકટર અરૂણ મહેશ બાબુએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા આપી હતી. તેમજ કમિશ્નર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે દિવ્યાંગોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે કોર્ટ તેમના આંગણે આવી છે. આ મોબાઇલ કોર્ટમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે. બી. ઠક્કર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, ત્રણેય જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીઓ મેહુલગીરી ગોસ્વામી, એ. કે. ભટ્ટ, મિલનભાઇ પંડ્યા તેમજ ગાંધીનગરથી ઉપસ્થિત રહેલા ડેપ્યુટી કમિશ્નર ઓફ કોર્ટ એચ. એચ. ઠેબા, લીગલ એડવાઇઝર પ્રકાશ રાવલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.