- બોર્ડ દરમિયાન જ મુખ્ય સચિવની વીડિયો કોન્ફરન્સમાં પણ હાજરી આપી, અરજદારોને હાલાકી ન થાય તે માટે એક સાથે બબ્બે કામગીરીને આગવી રીતે સંભાળી લીધી
જિલ્લા કલેકટરે આજે પ્રથમ મેગા બોર્ડ યોજયુ હતું. જેમાં તેઓએ બે શિફ્ટમાં 51 કેસો સાંભળ્યા હતા. બીજી તરફ આજે બોર્ડ દરમિયાન જ મુખ્ય સચિવની વીડિયો કોન્ફરન્સ હતી. તેવામાં કલેકટરે અરજદારોને હાલાકી ન થાય તે માટે એક સાથે બબ્બે કામગીરીને આગવી રીતે સંભાળી લીધી હતી.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ અપીલના પડતર કેસોને ગંભીરતાથી લઈ અરજદારોની હાલાકી દૂર કરવા મેગા બોર્ડ યોજવાનો નિર્ણય લીધો હતો. કલેકટરના અપીલ બોર્ડમાં હાલ 400 જેટલા જુના કેસો પેન્ડિંગ હાલતમાં પડ્યા છે. જેને ક્લિયર કરવા માટે આજના બુધવારથી જિલ્લા કલેકટર દ્વારા મેગા બોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સવારે એક શિફ્ટમાં 25 કેસો અને બીજા બપોર પછીના શિફ્ટમાં 26 કેસોમાં હિયરિંગ કર્યું હતું. આમ આજે કુલ 51 કેસોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ આજે મુખ્ય સચિવની જમીન સંપાદન મામલે સવારે વીડિયો કોંફરન્સ યોજાઈ હતી. જિલ્લા કલેકટરે બોર્ડ દરમિયાન જ મુખ્ય સચિવની વીડિયો કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. અરજદારોને હાલાકી ન થાય તે માટે તેઓએ એક સાથે બબ્બે કામગીરીને આગવી રીતે સંભાળી લીધી.ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તાજેતરમાં 10 થી વધુ મુદત પડી હોય છતાં ચુકાદો ન આવ્યો હોય તેવા 60 જેટલા કેસો પણ ઓળખી કાઢ્યા હતા. પ્રથમ તો આ 60 કેસોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.