ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવાની કામગીરીમાં ગુજરાતમાં અવ્વલ રહેવા બદલ જિલ્લા કલેક્ટરને દિલ્હી ખાતે રવિવારે એવોર્ડથી સન્માનિત કરાશે
ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવાની કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં અવ્વલ રહ્યો છે. જે બદલ રાજકોટ કલેક્ટર કચેરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ આપવામાં આવશે. આ આ એવોર્ડ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ રવિવારે દિલ્હી ખાતે સ્વીકારશે. રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને દર મહિને સહાય આપવામાં આવે છે. આવા બહેનોની કલેક્ટર કચેરી તેમજ મામલતદાર કચેરીએથી ફોર્મ સ્વીકારવા સહિતની કામગીરી કરી નોંધણી કરવાના આવે છે. બાદમાં દર મહિને તેઓને સીધા બેંક ખાતામાં રૂ. 1250ની રકમ આપવામાં આવે છે.
ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવાની કામગીરીમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. આ કામગીરીની નોંધ લઈને ઇન્ડિયા બુક ઓફ એવોર્ડ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. દિલ્હી ખાતે આગામી રવિવારના રોજ ઇન્ટરનેશનલ રેકોર્ડ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં રાજકોટ જિલ્લા કચેરીને એવોર્ડ આપવામાં આવનાર છે. આ એવોર્ડ સ્વીકારવા માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ આગામી રવિવારે દિલ્હી જવાના છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એક સાથે 6680 બહેનોને સહાય અપાઈ
રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને માસિક રૂ. 1250ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ માટેની કામગીરી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એકસાથે 6680 ગંગા સ્વરૂપ બહેનોને સહાયનો લાભ આપવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ લાભાર્થીઓની સંખ્યા 8332 છે. 7 દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાશે એવોર્ડ સેરેમની
દિલ્હી ખાતે આગામી રવિવારે ઇન્ટરનેશનલ રેકોર્ડ ફેસ્ટિવલ યોજાવાનો છે. તેમાં 100 જેટલા રેકોર્ડ હોલ્ડરોનું સન્માન કરવામાં આવનાર છે. આ એવોર્ડ સેરેમનીમાં અમેરિકા, વિએતનામ, બાંગ્લાદેશ અને બ્રિટન સહિતના 7 દેશોના પ્રતિનિધિઓની પણ હાજરી રહેશે.