વડોદરાની દુર્ઘટનાને પગલે ઇશ્વરીયા પાર્કમાં થતા બોટિંગની કલેકટર તંત્રએ તપાસ હાથ ધરી હતી. જેમાં સબ સલામત હોવાનું બહાર આવ્યું છે. છતા પણ ઇશ્વરીયા પાર્કમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને અધિકારીઓએ યોગ્ય તકેદારી રાખવા સૂચના પણ આપી હતી.
હાલ તળાવમાં 10 થી 12 પેડલવાળી બોટ, 50 લાઈફ જેકેટ ઉપરાંત જરૂર પડ્યે બચાવ કાર્ય માટે સ્પીડ બોટ પણ સ્ટેન્ડ બાય: ચેકીંગ વેળાએ સબ સલામત નિકળ્યું
વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે બાળકોથી ભરેલી બોટ ઊંઘી વળી જતા 12 બાળકો અને 2 શિક્ષકો મળી 14 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આવી કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે કલેકટર તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.
સિટી-1 પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીની ટીમના નાયબ મામલતદાર વસીમભાઈ સહિતની ટીમે આજે ઈશ્વરીયા પાર્ક ખાતે ચેકીંગ પણ હાથ ધર્યું હતું. ઇશ્વરીયા પાર્કના તળાવમાં 10થી 12 પેડલવાળી બોટ છે. અહીં આવતા સહેલાણીઓ બોટિંગની મજા લેતા હોય છે. બોટિંગના અહીં એક વ્યક્તિ દીઠ રૂ.50 લેવામાં આવે છે.
વધુમાં અહીંના તળાવમાં 50 લાઈફ જેકેટ ઉપરાંત જરૂર પડ્યે બચાવ કાર્ય માટે સ્પીડ બોટ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પ્રાંતની ટિમ દ્વારા ચેકીંગ કર્યા બાદ અહીં સબ સલામત નીકળ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમ છતા પ્રાંતની ટિમ અને ઇશ્વરીયા પાર્કના મેનેજર દ્વારા બોટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી અને કર્મચારીઓને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવાની સાથે લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવાની સૂચના આપી હતી.