રાજકોટ જિલ્લામાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાનોને મતદારયાદીમાં સમાવવા માટે કલેકટર તંત્રએ મહા કવાયત હાથ ધરી છે. જેમાં કલેકટર તંત્ર દ્વારા એક પછી એક 15 જેટલા વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત કલેકટર તંત્ર દ્વારા ટીપરવાન મારફત ત્રણ ખાસ ઝુંબેશના દિવસોનો ઓડિયો પ્રચાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મતદારયાદીના ખાસ ઝુંબેશના 26 નવેમ્બર, 3 ડીસેમ્બર અને 9 ડીસેમ્બરના દિવસોનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે માટે કલેકટર તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી વિભાગની અલગ અલગ તબકકામાં 15 વિભાગો સાથે બેઠક યોજાઈ હતી.
એક પછી એક 15 જેટલા વિભાગો સાથે બેઠક, ટીપરવાન મારફત ત્રણ ખાસ ઝુંબેશના દિવસોનો ઓડિયો પ્રચાર કરવામાં આવશે
મતદારયાદીના ખાસ ઝુંબેશના 26 નવેમ્બર,3 ડીસેમ્બર અને 9 ડીસેમ્બરના દિવસોનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે માટે પ્રયાસો
આ બેઠકમાં 18થી 19 અને 20થી 29 વર્ષ આ બે કેટેગરીના યુવાનો મતદારયાદીમાં બાકી ન રહે તે માટે પ્રયાસ તેજ કરવાનું જણાવવામાં આવ્યું હતું.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રમ અધિકારી, જીઆઇડીસી વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગ, સહકારી મંડળીઓ, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પુરવઠા વિભાગ સહિતના વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ ઉપરાંત કલેકટર તંત્ર દ્વારા બીએલઓને જે તે વિસ્તારના જન્મમરણ, અને મૃત્યુ રજીસ્ટરને અપાવ્યા છે. મહિલા મંડળો, ખેતી મંડળીને પણ જાગૃતિ ફેલાવવા કહ્યું છે. અત્યાર સુધીમાં 22 કોલેજોમાં અત્યાર સુધીમાં મતદારયાદી સંબંધિત કેમ્પ કરવામાં આવ્યા છે.
200 કો-ઓપરેટિવ સોસાયટી પાસેથી યુવાનોનો ડેટા મંગાવાયો
કલેકટર તંત્ર દ્વારા 200 કો-ઓપરેટિવ સોસાયટીઓને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ કો-ઓપરેટિવ સોસાયટીઓમાં જે યુવાનોને 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓનો ડેટા બીએલઓને આપવો. આ ઉપરાંત આવા યુવાનોને ખાસ ઝુંબેશના દિવસોમાં નજીકના મતદાન મથકે મોકલી મતદારયાદીમાં તેઓનું નામ ઉમેરવું.
ચૂંટણીકાર્ડથી વંચિત શ્રમિકોને ખાસ ઝુંબેશનો લાભ લેવડાવવા જીઆઇડીસીને સૂચના
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જીઆઇડીસી વિભાગ અને શ્રમ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓને તેમજ જીઆઇડીસીના પ્રમુખોને પોતાના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાં જે શ્રમિકો ચૂંટણી કાર્ડથી વંચિત છે તેઓને ચૂંટણી કાર્ડ કઢાવવા પ્રોત્સાહિત કરવા સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ ઝુંબેશમાં જવા શ્રમિકોને રજા આપવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે.
આશાબહેનોને 18 વર્ષ પૂર્ણ થતી હોય તેવી દીકરીઓનો ડેટા બીએલઓને આપવા સૂચના
ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લામાં દર 1000 લોકોની વસ્તીએ ફરજ બજાવતા એક આશા બહેનને તે વિસ્તારમાં જે દીકરીને 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેના નામ સહિતનો ડેટા બીએલઓને પૂરો પાડવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી બીએલઓ દ્વારા તેઓનું નામ મતદારયાદીમાં સમાવવામાં આવે.
શાળાઓના જુના રજીસ્ટરો ફંફોળી 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનોનો ડેટા તૈયાર કરાશે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણઅધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સૂચન કરવામાં આવ્યું હતું કે શાળાઓના જુના રજીસ્ટર ચેક કરવામાં આવે. જેમાં વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ ચેક કરી જે વિદ્યાર્થીઓને હાલ 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા વિદ્યાર્થીઓને મતદારયાદીમાં સમાવવાના પ્રયાસ કરવામાં આવે.
સસ્તા અનાજના દુકાનદારોને પણ જાગૃતિ ફેલાવવા અપિલ
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પુરવઠા અધિકારી મારફત મતદારયાદી સુધારણા કાર્યક્રમની કામગીરીમાં સસ્તા અનાજના દુકાનદારોની પણ મદદ લેવામાં આવી છે. જેમાં સસ્તા અનાજના દુકાનદારોને રેશનકાર્ડમાં જે યુવાનોને 18 વર્ષ પૂર્ણ થાય છે અથવા તો મૃત્યુ થયું હોય કે સ્થળાંતર થયું હોય તો તેવા લોકોને મતદારયાદી કાર્યક્રમના ખાસ ઝુંબેશના દિવસોનો લાભ લેવા અનુરોધ કરવાં જણાવાયું છે.