કર્મચારીઓના બાકી પગારને લઈને અગાઉ પણ ચર્ચામાં રહી ચુકેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝ સામે કલેકટર તંત્રએ આજે મોટી કાર્યવાહી કરી છે. જેમાં અંદાજે 50 કરોડની ફેકટરી જ સિલ કરી નાખવામાં આવી છે. હવે મેનેજમેન્ટ બાકી પગાર ચૂકવશે તો જ ફેકટરીને ફરી ખોલી શકાશે. નહિતર ફેક્ટરીની હરાજી કરી નાખવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
506 કર્મચારીઓનો છેલ્લા 14 મહિનાથી પગાર નહોતો ચૂકવાયો, રૂ.1.40 કરોડના પગારની વસુલાત માટે લેબર કોર્ટના મિલકત જપ્તીના આદેશ બાદ પૂર્વ મામલતદારની કાર્યવાહી
હવે કર્મચારીઓના પગારનું ચુકવણું થશે તો જ ફેક્ટરીનું સિલ હટશે, નહિતર ફેક્ટરીની હરાજી કરી નખાશે
રાજકોટની આજી વસાહતમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદારોના આંતરિક પ્રશ્નોને લીધે ત્યાં કામ કરતા 506 જેટલા કર્મચારીઓના પગાર છેલ્લા 14 મહિનાથી ચુકવવામાં આવ્યો નથી. અગાઉ બેથી ત્રણ વખત આ મામલે કર્મચારીઓએ રોષભેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કર્મચારીઓએ લેબર કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા.
અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને પગાર પેટે રૂ. 1.40 કરોડ દેવાના થાય છે. કર્મચારીઓને પગાર ચૂકવવા લેબર કોર્ટે નોટિસ ફટકારી હતી. નોટિસ ની અવગણના કરી ને માલિકોએ છેલ્લા 3 મહિનાનો પગાર ચુકવ્યો ન હતો. પરિણામે લેબર કોર્ટ દ્વારા અમુલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીને સીલ કરવા હુકમ કર્યો હતો. આ હુકમને આધારે કલેકટરે મામલતદારને કાર્યવાહીની સૂચના આપતા પૂર્વ મામલતદાર એસ.જે.ચાવડા અને તેમની ટીમે આજે સવારે 11 કલાકે અમુલ ઇન્ડસ્ટ્રીઝની અંદાજે 50 કરોડની કિંમતની ફેકટરી સિલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે હવે જો કંપની પગાર ચૂકવશે તો જ ફેક્ટરીનું સિલ હટશે. નહિતર ફેક્ટરીની હરાજી કરવામાં આવશે.
પગાર પ્રશ્નનો ઉકેલ ન આવતા ત્રણ કર્મચારીઓએ જીવ પણ દીધા છે
રાજકોટની આજી વસાહતમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હરેશભાઈ હેરભા, વિક્રમ બકુત્રા, અનિલ વેગડા નામના કર્મચારીઓએ પગાર મુદ્દે આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા ઘણા સમયથી લેબર કોર્ટ દ્વારા કર્મચારીઓને પીએફ અને પગાર આપવા માટે આદેશ કર્યો છે. છતાં કંપનીનાં માલિકો દ્વારા રૂપિયા આપવામાં આવતા ન હતા. અંતે આ પ્રશ્ને ન્યાય ન મળતા ત્રણ કર્મચારીઓએ જીવ પણ દીધા છે.
કર્મચારીઓ સામેથી જ નોકરી છોડી દયે તેવા પ્રયાસો થતા
કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓ અમૂલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેલ્લાં 20-25 વર્ષથી કામ કરે છે. જ્યાં ભાઈઓ વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદને કારણે કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હતો. કર્મચારીઓ સામેથી કામ છોડી જતા રહે તેવા પ્રયાસો કરવામાં આવતા હતા. તેમજ 2000 કિલોમીટર દૂર તામિલનાડુમાં 145 કર્મચારીની ગેરકાયદે બદલી કરવામાં આવી હતી.