રાજકોટ જિલ્લામાં કોકોકોલાનો વિશાળ પ્લાન્ટ સ્થપાવાનો છે. આ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રાજકોટ, ગોંડલ અને પડધરી તાલુકામાં 75 એકર જગ્યા શોધવા માટે કવાયત હાથ ધરી છે. જે જગ્યા હાઇવેથી નજીક હોય અને પુષ્કળ પ્રમાણમાં પાણી હોય તેવી જગ્યાને પ્રાથમિકતા અપાશે તેવું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ, ગોંડલ અને પડધરી તાલુકામાં જગ્યા શોધવા કવાયત : હાઇવેથી નજીક અને પુષ્કળ પાણી હોય તેવી જગ્યાને પ્રાથમિકતા

જગ્યા શોધીને કંપનીના ધ્યાને મુકાશે, બાદમાં જગ્યાનો ભાવ નક્કી કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે

કોકાકોલા તેનો નવો પ્લાન્ટ રાજકોટમાં સ્થપવાનું છે. જેના માટે અંદાજે 3 હજાર કરોડનું રોકાણ પણ થવાનું છે. કંપનીએ 2026 સુધીમાં પ્લાન્ટ કાર્યરત કરી દેવાનો લક્ષ્ય રાખ્યો છે. અહીંના પ્લાન્ટમાં જ્યુસ અને ગેસયુક્ત પીણા બનાવવામાં આવનાર છે.

આ માટે હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ, કોકા-કોલા કંપનીની બોટલિંગ શાખા અને ગુજરાત સરકારે એક એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. કંપનીના નિવેદન મુજબ, આ સાહસ રાજ્યમાં કોકાકોલાની કુલ કર્મચારીઓની સંખ્યાને 1,500 કરતાં વધુ વ્યક્તિઓ સુધી લઈ જવાનો પ્રસ્તાવ છે. એચસીસીબીના ચીફ પબ્લિક અફેર્સ, કોમ્યુનિકેશન્સ અને સસ્ટેનેબિલિટી ઓફિસર હિમાંશુ પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અમારું રોકાણ એ ગુજરાતની સંભવિતતા અને તેના લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પ્રત્યેની અમારી માન્યતાનો પુરાવો છે.

તે માત્ર અમારા વ્યવસાયિક કામગીરીને વધારવા માટે જ નહીં, પરંતુ તેના વિશે પણ છે. અમે એક એવા રાજ્યમાં મૂળિયાંને વધુ ઊંડું કરવા જઈ રહ્યા છીએ જે એક ચાવીરૂપ બજાર છે અને નવીનતા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

કોકાકોલાની દરખાસ્ત મળ્યા જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ત્રણ તાલુકામાં 75 એકર જેટલી જગ્યા શોધવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. ગોંડલ, રાજકોટ અને પડધરી તાલુકામાં હાલ વિશાળ જગ્યાની શોધ ચલાવવામાં આવી રહી છે.

કોકાકોલાની દરખાસ્ત પ્રમાણે તેઓને હાઇવેથી નજીક અને પુષ્કળ પ્રમાણમાં પાણી હોય તેવી જગ્યા જોઈએ છે. જે પ્રમાણે રાજકોટ, ગોંડલ અને પડધરીમાં આવી સુવિધાવાળી 75 એકર જમીન શોધવા હાલ તાલુકા કક્ષાએ કવાયત હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમુલ બાદ રાજકોટમાં વધુ એક કોકાકોલાનો પ્રોજેક્ટ આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી અનેક રોજગારી પણ ઉભી થશે. આ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારમાં પ્લાન્ટ હશે ત્યાના વ્યાપારને પણ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.