ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં હજુ બે સમય જેટલો સમય થશે : એકાદ સપ્તાહમાં બ્રિજની નીચેનો રસ્તો ચાલુ કરી દેવાશે
જામનગર રોડ ઉપર માધાપર ચોકડીએ જે બ્રીજનું કામ ચાલી રહ્યું છે તેને ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવા જિલ્લા કલેક્ટરનો આદેશ છુટ્યો છે. જો કે આ બ્રિજનું કામ પૂર્ણ થવામાં આરએન્ડબીએ 2 મહિના જેટલો સમય થવાનું જણાવ્યું છે. હાલ એકાદ સપ્તાહમાં બ્રિજની નીચેનો રસ્તો ચાલુ કરી દેવાનું પણ જાહેર કરાયુ છે.
રાજકોટ શહેરના ધમધમતા એવા જામનગર રોડ પરના માધાપર ચોકડી વિસ્તારમાં બ્રીજનું કામ ગોકળ ગતિએ આગળ ધપી રહ્યું છે. જેને પરિણામે અહીં દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. વધુમાં અહીં માધાપર ચોકડી બ્રીજના કામને લીધે વાહનચાલકોને લાંબુ ચક્કર કાપીને જામનગર રોડથી 150 ફૂટ રોડ તરફ જવું પડે છે. જો કે આ પ્રશ્નનો હલ એકાદ સપ્તાહમાં જ નીકળી જશે. કારણકે આ બ્રિજ નીચેનો રોડ એક સપ્તાહમાં ખુલ્લો મુકવામાં આવનાર છે.
બ્રિજની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આર એન્ડ બીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આરએન્ડબીના અધિકારીઓએ બ્રીજનું કામ હજુ 2 મહિના બાદ પૂર્ણ થશે તેવું જણાવ્યું હતું. સામે જિલ્લા કલેકટરે આ કામ ચોમાસા પૂર્વે કોઈ પણ સંજોગોના પૂરું કરાવવા માટે આરએન્ડબી વિભાગને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે માધાપર ચોકડી ખાતે 70 કરોડના ખર્ચે બનતા 1200 મીટર લંબાઈના આ હાઈલેવલ બ્રિજમાં કૂલ 24 પિયર છે. આ બ્રીજનું કામ પૂર્ણ થયે જામનગર રોડ પરના ટ્રાફિકને મોટો ફાયદો થવાનો છે. પણ આ બ્રીજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય, ટ્રાફિકનો પ્રશ્ન ઘેરો બન્યો છે.
તત્કાલીન કલેકટરે તો બે મહિના પૂર્વે એવું એલાન કર્યું હતું કે આ બ્રિજ એક મહિનામાં તૈયાર થઈ જશે. પણ બ્રીજનું કામ અતિ ધીમી ઝડપે ચાલી રહ્યું હોય, હજુ બે મહિના જેટલો સમય એજન્સી દ્વારા જ જાહેર કરાયો છે. હવે હકીકતમાં આ બ્રિજ ક્યારે ખુલ્લો મુકાય છે તે જોવું રહ્યું.
ગાંધી સોસાયટીની જમીનના સંપાદનના પ્રશ્નનો ટૂંક સમય ઉકેલ લવાશે
માધાપર ચોકડીએ બ્રિજના નિર્માણ સંદર્ભે હજુ ગાંધી સોસાયટીના પાસે જમીનનું સંપાદન થયું નથી. આ મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું કે જોઈન્ટ સર્વે હાથ ધરવામાં આવનાર છે. ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો ઉકેલ લવાશે. જેથી બ્રીજનું કામ ઝડપથી આગળ વધે.