જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ચાઈલ્ડ લેબરની ડીસ્ટ્રિકટ ટાસ્ક ફોર્સની બેઠક સંપન્ન
અબતક, રાજકોટ :જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બાળકોને મજૂરી કરતા અટકાવવાના હેતુસર ચાઈલ્ડ લેબર વિભાગની ડીસ્ટ્રિકટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી.
જેમાં કલેકટરએ મજૂરી કરતા બાળકો સંદર્ભે પોલીસ ફરિયાદનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ રસ્તાઓ, ટ્રેન, રેલવે, શોપ, મોલની નજીકમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓનું વેચાણ કરતા બાળકોને રેસ્ક્યુ કરવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરોને શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાના સૂચનો આપ્યા હતા.
આ ઉપરાંત, મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી અંકિત ચંદારાણા દ્વારા રેઇડ અને રેસ્ક્યુ, હોટસ્પોટ મેપિંગ એક્ટિવીટી અને જાગૃતિ કાર્યક્રમો માટે જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર અને ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાનનો એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કૃષિ અને ઔદ્યોગિક વિસ્તારમાં બાળ મજૂરી રોકવાના પગલાંઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અનુસુચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક ચંદ્રવદન મિશ્રા, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, ડેપ્યુટી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એ. પી. વાણવી, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના એએસઆઈ બકુલભાઈ વાઘેલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.