મકરસંક્રાંતિ પૂર્વે લોન ડિફોલ્ટરો સામે તવાઈ
વિવિધ બેન્ક તેમજ ફાયનાન્સનું રૂ. 87.56 કરોડનું લેણું વસૂલવા સરફેસી એકટ હેઠળ કાર્યવાહી
અબતક, રાજકોટ : લૉન ભરવામાં નિષ્ફળ ગયેલા આસામી સામે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ મકરસંક્રાંતિ પૂર્વે જ આકરા પગલાં લીધા છે. જિલ્લા કલેક્ટરે આવા 216 જેટલા આસામીઓની મિલકત જપતિના આદેશ આપ્યા છે. જેને લઈને સન્નાટો છવાઈ ગયો છે.
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ બેન્ક લૉન ભરવામાં નિષ્ફળ ગયેલા 216 આસામીઓ સામે મિલકત જપ્તીના આદેશ જાહેર કર્યા છે. જેમાં નાગરીક બેન્ક, બેન્ક ઓફ બરોડા, આઇસીઆઇસીઆઈ, શ્રી રામ હાઉસિંગ, એયું સ્મોલ ફાયનાન્સ, રિલાયન્સ ફાયનાન્સ, સીએમએસ રીકન્ટ્રક્શન, દીવાન હાઉસિંગ, એલએન્ડટી ફાયનાન્સ, ફોર્મિક્સ ફાયનાન્સ સહિતનો બેન્ક અને ફાયનાન્સની કુલ 87.56 કરોડની લૉન ભરવામાં 216 જેટલા આસામીઓ નિષ્ફળ ગયા હતા.
આ આસામીઓએ ગીરવે મુકેલી મિલકત જપ્ત કરવા માટે બેન્કો તથા ફાયનાન્સ પેઢીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી હતી. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે મકરસંક્રાતિ પૂર્વે જ તમામ 216 દરખાસ્તોને માન્ય રાખીને મિલકત જપ્તીના આદેશો આપ્યા છે.
જિલ્લા કલેક્ટરના આદેશથી હવે જે તે મામલતદાર કચેરીઓ દ્વારા આ 216 આસામીઓની મિલકતો સીલ કરીને તેનો કબ્જો બેન્કો તથા ફાયનાન્સ પેઢીઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બેન્કો તથા ફાયનાન્સ પેઢીઓ આ મિલકતોની હરરાજી કરી તેની બાકી નાણાની વસુલાત કરશે.
ટોચના લોન ડિફોલ્ટરો
- આર્યમાન ઇનપેક્ષ – રૂ. 8 કરોડ
- રઘુવીર બિલ્ડકોઈન – રૂ. 3 કરોડ
- લક્ષ્મી જવેલર્સ – રૂ. 2.6 કરોડ
- નીલકંઠ ઇલેક્ટ્રોનિક – રૂ. 1.5 કરોડ
- ક્રિષ્ના સિડ્સ ઇન્ડસ્ટ્રીઝ – રૂ. 1 કરોડ
- અનિતા એક્સપોર્ટ – રૂ. 69 લાખ