રાજકોટના નવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોના રસીકરણ ઝુંબેશને પ્રાથમિકતા આપી આજે પ્રથમ મીટિંગ અને વિડીયો કોન્ફરન્સ વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે કરી હતી. નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુ,નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને રૂરલ એસ. પી . બલરામ મીણાએ 15થી 30 દિવસમાં 70% રસીકરણના લક્ષ્યાંક સાથે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તરીકે અત્યાર સુધી થયેલા રસીકરણની સમીક્ષા કરી ટાર્ગેટ ઓડિયન્સનું ચિત્ર અમલીકરણ અધિકારીઓ સમક્ષ રજૂ કરી આ ટાર્ગેટ સિદ્ધ કરવા માટે કરવાની થતી તમામ કામગીરી નું માર્ગદર્શન આપ્યું હતું.
આ મિટિંગમાં જિલ્લાના રેવન્યુ, પંચાયત અને પોલીસ વિભાગની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની ગ્રામ્યથી માંડીને જિલ્લા સ્તર સુધી ની રચના કરવામાં આવી હતી. આવતીકાલથી રસીકરણની કામગીરીમાં જે ગામ્ય કે તાલુકા વિસ્તારમાં લોકો રસી માટે તૈયાર થતા નથી ત્યાં લોકોની સમજણ આપી રસી અપાવવા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
કલેકટરએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં જે લોકોએ રસી લીધી હતી તેમનો બચાવ થયો છે અને તે અંગેના નિષ્ણાતોના રીવ્યુ પણ આવ્યા છે. લોકોને સમજણ આપવાના સામાજિક દાયિત્વમાં જિલ્લાની ટીમને જન પ્રતિનિધિઓ ,સામાજિક આગેવાનો, સંતો મહંતોનો પણ સહયોગ મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં કોઈ નાગરિક વેક્સિનેશન વિના ન રહે અને કોરોના સામે અસુરક્ષિત ના રહે તેવા લક્ષ્ય સાથે આપણે કામ કરવું છે.આ ઉપરાંત કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની અમલવારી કરીને સુપર સ્પેડર ધંધાર્થી લોકોની નવ કેટેગરીમાં જે લોકો દસ દિવસમાં કરાવેલો હોય તેઓ આર ટી પી સીઆર રિપોર્ટ રજૂ નહીં કરે તેમની સામે પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આવા ધંધાર્થીઓ જેમ કે શાકભાજીના છૂટક જથ્થાબંધ વિક્રેતા, હોટલ રેસ્ટોરન્ટ માં કામ કરતા લોકો ,ખાણીપીણીની લારીઓ, પાનના ગલ્લા, રીક્ષા ટેક્ષી વાહનોના ડ્રાઈવર અને કલીનર, હેર સલૂન, બ્યુટી પાર્લર, ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડ તેમજ કારીગરો અને શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ માં વેચાણ વિતરણ કરતા લોકો તેમજ ચાની કીટલી, ખાણીપીણીની લારી સહિતના ધંધાર્થીઓ માટેના આ જાહેરનામા અંગે ફોજદારી કાર્યવાહી વખતે જો તેઓએ વેકસીનેશનનો પ્રથમ ડોઝ લીધો હશે તો તેમને મુકિત આપી લાગુ પાડવામાં નહી આવે.
રાજકોટ શહેર જિલ્લામાં વેકસીનેશન સંપૂર્ણ થઇ શકે તે માટે ચુંટણી પેટર્ન મુજબ કામ કરી પોલીંગ બુથ વાઇઝ રસી થી વંચીત લોકોનું લીસ્ટ તૈયાર કરી તેઓને રસીકરણ થઇ જાય તે માટે આયોજન હાથ ધરવા જણાવ્યું હતુ.કલેકટરશ્રીએ તાલુકાના અધિકારીઓને વિડિયો કોન્ફરન્સના મારફત જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં જે વેક્સિનેશનની કામગીરી સંતોષકારક રીતે ચાલી રહી છે પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને લઇને માનવ જીંદગીઓ બચાવી શકાય તેવા ઉમદા હેતુથી આગામી પંદર દિવસથી એક મહિના સુધી મિશન મોડમાં દરેક લાઇન ડિપાર્ટમેન્ટ આરોગ્ય તંત્ર સાથે સંકલન કરશે.
આ ઉપરાંત જિલ્લામાં વેકિસનની કામગીરીની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને પોલીસ દ્વારા રોજેરોજે રીવ્યુ કરવામાં આવશે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ વેકસિનેશનની કામગીરીમાં ઝડપ આવે તે માટે ફિલ્ડમાં પણ જશે. પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ આ કામગીરીમાં સહભાગી થશે. આ બેઠકમાં અધિક કલેકટર પરિમલ પંડયા, ડીઆરડીએના નિયામક જે.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નિલેષ શાહ તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસથિત રહયા હતા.
નશામુક્ત ભારત અભિયાન કમિટિના સંકલ્પપત્ર અને ઝુંબેશનો કલેક્ટરના હસ્તે પ્રારંભ
રાજકોટ સ્થિત નશામુકત ભારત અભિયાન કમીટી દ્વારા 26 જુન આંરરાષ્ટ્રીય નશાકારક પદાર્થોનો દુરઉપયોગ અને ગેરકાયદે વ્યાપાર વિરોધી દીનની ઉજવણી અન્વયે આજરોજ સંકલ્પપત્ર કમ સહિ ઝુંબેશ અભિયાનનો રાજકોટની કલેકટર કચેરી ખાતેથી રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા સંકલ્પપત્ર પર સહિ દ્વારા પ્રારંભ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 15મી ઓગષ્ટથી સાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિલ્હી દ્વારા ભારતના કુલ 272 જિલ્લાઓમાં નશામૂકત ભારત અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજયના રાજકોટ સહિત કુલ 8 જિલ્લાઓનો સમાવેશ કરાયેલ છે.આજરોજ આ ઉપરાંત પોલીસ અધિક્ષક કચેરી સહીત વિવિધ કચેરી ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા, ડી.આર.ડી.એ. નિયામક જે.કે પટેલ, પ્રાંત અધીકારીઓ સિધ્ધાર્થ ગઢવી,ગોહિલ, દેસાઇ, સમાજ સુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી, બાળ સુરક્ષા ધટકના મીત્સુબેન સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવણી અનુસંધાને સંકલ્પ પત્ર/સહી ઝુંબેશમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર ચેનત નંદાણી, પી.એ. ટુ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમા સહિત મનપાના અધિકારીઓએ ભાગ લીધો હતો.