રાજકોટ કલેકટર કચેરીમાં 8 મામલતદારોની જગ્યા ખાલી હોય, હાલના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કામનું ભારણ સતત વધી રહ્યું છે. જેને પગલે જિલ્લા કલેકટર દ્વારા અધિક મુખ્ય સચિવને આ મામલે પત્ર લખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવા જિલ્લા કલેકટરે અધિક મુખ્ય સચિવને લખ્યો પત્ર
લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. જેને પગલે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. મતદારયાદીની કામગીરી દરમિયાન આગામી સોમવારથી ઇવીએમ- વિવિપેટ નિદર્શન પણ શરૂ થવાનું છે. આ ઉપરાંત જિલ્લાભરમાં સેવા સેતુ કાર્યક્રમો પણ હાલ ચાલુ થઈ ગયા છે. તેવામાં કલેકટર કચેરીમાં મામલતદારની 8 સહિત જિલ્લામાં 9 જગ્યાઓ ખાલી હાલતમાં છે.
આ ઉપરાંત બીજી અનેક જગ્યાઓ પણ ખાલી છે. ખાસ કરીને કલેકટર કચેરીમાં પ્રોટોકોલ, ચિટનીસ, અધિક ચિટનિસ, બિનખેતી, ડિઝાસ્ટર, આઈઓરા, હક્ક પત્રક (આરટીએસ) સહિત 8 મામલતદારોની જગ્યા ખાલી હોય, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત કામનું ભારણ વધી રહ્યું છે. એક તરફ હવે ચૂંટણીની કામગીરી પણ વધવાની હોય આ ઉપરાંત આગામી સમયમાં ચૂંટણીને પગલે અનેક મહાનુભાવોની મુલાકાતો વધવાની હોવાથી પ્રોટોકોલનું કામ પણ વધવાનું હોય, હાલ આ મામલે કલેકટર તંત્રમાં ચિંતા વધી છે.
વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇકાલે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા અધિક મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે કલેકટર કચેરીમાં 8 મામલતદાર સહિત જિલ્લામાં કુલ 9 મામલતદારની જગ્યા ખાલી છે. વહીવટી સરળતા ખાતર આ જગ્યાઓ ભરવામાં આવે. ઉલ્લેખનીય છે કે હવે મહેસુલ વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવુ જણાઈ રહ્યું છે.