- મહાપાલિકા અને પાલિકાએ મેન્યુઅલ સ્કેવેજિંગનું પ્રમાણપત્ર દર ત્રણ માસે રજૂ કરવા આદેશ
ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એજ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિશીબિલિટેશન એક્ટ -2013ના અન્વયેની જિલ્લા તકેદારી સમિતિની ગ્રામ્ય અને શહેરની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરે સફાઈ કામદારોમાં સફાઈ કામદારના કાયદા અંગે જાગૃતતા વધે તે માટે મહાનગરપાલિકા, નગરપાલિકા, હોટલો, કારખાના જી.આઇ.ડી.સી ક્ષેત્રોમાં અને જાહેર જીવનમાં પૂરતો પ્રચાર પ્રસાર થાય તે માટે જાહેરાતો દ્વારા જરૂરી માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાએ મેન્યુઅલ સ્કેવેજિંગનું પ્રમાણપત્ર દર ત્રણ માસે મીટીંગ સમિતિ સમક્ષ રજૂ કરવા પર ભાર મુક્યો હતો. સફાઈ કામદારો સલામતી કીટ પહેરીને જ કામ કરે તે ખૂબ જરૂરી છે.
વધુમાં કલેકટરે મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એ જ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિશીબિલિટેશન એક્ટના પ્રચારની કામગીરીની સમીક્ષા કરી હતી. આ કાયદા હેઠળ નોંધાયેલ ગુનાની પણ સમીક્ષા કરાઈ હતી. સફાઈ કામદારોના હિતને ધ્યાનમાં લેવા, મશીન દ્વારા અને સ્વચ્છતા કીટ પહેરીને જ સાફ-સફાઈના કામો કરવા જોઈએ. તેમજ સફાઈ કામદારોના જીવન ધોરણમાં સુધારો આવે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓની અને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાઓની માહિતી અને લાભ લાભાર્થીઓને આપવાનું સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડી.એસ.પ હીંગોળદાન રત્નુ, સિવિલ સર્જન ડો.જી.કે. નથવાણી, સર્વે નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિઓ અને તેમને ચૂકવવામાં આવેલી સહાયની માહિતી રજૂ કરવામાં આવી હતી. જાન્યુઆરીથી માર્ચ -2023 દરમિયાન કુલ 10 બનાવો બન્યા હતા. જેમાં રૂપિયા સાત લાખની સહાય ચુકવવામાં આવી હતી. તેમજ એકટ્રોસીટી એક્ટ હેઠળ બનાવોના 17 ચાર્જ સીટ પૈકી 14 કોર્ટ કેસ ચાલી રહ્યા છે. આ બેઠકનું સંચાલન નાયબ નિયામક, અનુસૂચિત જાતિના અધિકારીશ્રી સી.એ મિશ્રાએ કર્યું હતું.
આ બેઠકમાં સમિતિના સભ્ય સર્વ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડી.એસ.પી હીંગોળદાન રત્નુ, સિવિલ સર્જન ડો. જી.કે. નથવાણી, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ કે.જી.રૂપારેલીયા, અમૃતભાઈ મકવાણા, બાબુભાઇ વિઝુંડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અનુસૂચિત જાતિ કલ્યાણ પેટા યોજના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લાની અનુસૂચિત જાતિ કલ્યાણ પેટા યોજના અમલીકરણની સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ ગ્રામ વિકાસ, કુટીર ઉદ્યોગ, પાક વ્યવસ્થા કૃષિ સંલગ્ન સેવાઓ, પી.જી.વી.સી.એલ, ગ્રામ્ય અને સીટી પાણી પુરવઠો, સામાજિક સેવાઓ, વિકેન્દ્રિત જિલ્લા આયોજન, વન વિભાગ, આઇસીડીએસ, સહકાર, શિક્ષણ, શ્રમ અને રોજગાર સહિતના તમામ વિભાગોની જુલાઈ – 2022 થી ડિસેમ્બર – 2022ની છ માસિક ખર્ચની અને મળેલ ગ્રાન્ટની સમીક્ષા કરવામાં હતી. જિલ્લાના વિકાસ કામો માટેની ગ્રાન્ટ સમય મર્યાદામાં પૂરી કરવાની તાકીદ કલેકટરશ્રીએ કરી હતી. તેમજ સુચારૂ વિકાસ કામો માટે કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને પુરૂં પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ નિયામક અનુ.જાતિના અધિકારી ચંદ્રવદન મિશ્રા, પ્રોગ્રામ ઓફિસર સાવિત્રિ નાથજી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.