સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવતા હોય, પણ કમનસીબે અહીં સિટી સ્કેન અને એમઆરઆઈ માટે દર્દીઓને હેરાનગતિ થતી હોય તેવી ફરીયાદો મળતા જિલ્લા કલેકટર એક્શનમાં આવ્યા છે. કલેકટર દ્વારા સિટી-સ્કેન અને એમઆરઆઈની સેવાનો વ્યાપ વધારવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ખાનગી કંપનીને ખટાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ તંત્ર હરકતમાં, સિવિલ સુપ્રીટેન્ડેન્ટને તેડુ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થોડા સમય પહેલા જ કરોડો રૂયિયાના ખર્ચે એમઆરઆઈ મશીન ચાલુ કર્યું હતું. તેમાં દિવસ દરમ્યાન માત્ર 10 લોકોને જ એમઆરઆઈ થતા હોય છે. એમઆરઆઈ મશીન માટે રેડિયોલોજીસ્ટના મહિલા તબીબને ચાર્જ સોંપવામાં આવ્યો છે અને કોન્ટ્રાકટના માણસો, નર્સીંગ સ્ટાફ, તેમજ જરૂરી ડોકટરો ઉપલબ્ધ છે. જયારે રેડિયોલોજીસ્ટના આ મહિલા તબીબ લાખો રૂપિયા સરકાર પાસેથી પગાર વસુલીને સવારના ર કલાક અને સાંજે 1 કલાક પૂરતા જ હાજર રહે છે. સિવિલમાં એમઆરઆઈ મશીન આવ્યું હોવા છતાં પણ પ્રાઈવેટ કંપનીનો કોન્ટ્રાકટ ચાલુ રાખેલ છે. તેવી કોંગ્રેસે રાવ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ સિવિલ સુપ્રીટેન્ડેન્ટને બોલાવી બેઠક કરવાનો નિર્ણય લીધો છે. જો કે આજે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ કોઈ કામ સબબ ગાંધીનગર ગયા હોય એકાદ બે દિવસમાં તેઓ કલેકટર સાથે બેઠક કરશે. જેમાં જિલ્લા કલેકટર પરિસ્થિતિનો તાગ મેળવી વધુમાં વધુ દર્દીઓ સરળતાથી સિટી સ્કેન અને એમઆરઆઈનો લાભ મેળવી શકે તે માટે પ્રયાસ હાથ ધરશે.
રૂપિયા 6.15 કરોડના ખર્ચે નવું સિટી સ્કેન મશીન વસવાયું, ટૂંક સમયમાં કાર્યરત કરાશે
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન વસાવવામાં આવ્યું છે. રૂ. 6.15 કરોડના ખર્ચે આ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મશીન ટૂંક સમયમાં દર્દીઓની સેવામાં કાર્યરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશિન ખાનગી કંપનીનું હતું. હવે સરકારી સિટી સ્કેન મશીનમાં રિપોર્ટના શુ ભાવ હશે તેની જાહેરાત કરવામાં આવી નથી.
એમઆરઆઈના સરકારી મશીનમાં દરરોજ માત્ર 10 જ રિપોર્ટ થાય છે !
કોંગ્રેસ કાર્યકર કલ્પેશ કુંડલિયાએ આક્ષેપ કર્યો છે કે, એમઆરઆઈ મશીન ચાલુ કરાયું છે પણ તેમાં ફક્ત 10 જ દર્દીના રિપોર્ટ કરાવાય છે. તેમાં પણ અનિયમિતતા રહે છે અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રિપોર્ટ કરાવવા માટે સવારે વારો લખાવવાનો હોય અને 10થી 5.30 વાગ્યા સુધી જ એમઆરઆઈ થાય છે અને રિપોર્ટ 3-4 દિવસે આવે છે. આ બધુ કાંડ ખાનગી કંપનીને ખટાવવા થઈ રહ્યું છે કારણ કે, આ મશીન આવ્યા બાદ પણ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરાયો નથી તેમજ તેને વધુ દર્દી મળી રહે તે માટે સરકારી મશીનમાં ફક્ત 10 જ રિપોર્ટ કરાઈ રહ્યા છે.