બે શિફ્ટમાં બોર્ડ યોજાશે, એક જ દિવસમાં 50 કેસો લેવાશે : જુના 400 કેસોનો શક્ય તેટલો વહેલો નિવેડો લાવવાનો સરાહનીય પ્રયાસ
અપીલના જુના કેસોનો નિકાલ કરવા જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. જે મુજબ હવે આગામી બુધવારથી અપીલનું મેગા બોર્ડ યોજવામાં આવનાર છે જેમાં બે શિફ્ટમાં બોર્ડ ચલાવી એક જ દિવસમાં 50 કેશોને ધ્યાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ અપીલના પડતર કેસોને ગંભીરતાથી લઈ અરજદારોની હાલાકી દૂર કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોમાથી મળતી માહિતી મુજબ કલેકટરના અપીલ બોર્ડમાં હાલ 400 જેટલા જુના કેસો પેન્ડિંગ હાલતમાં પડ્યા છે. જેમાં રજાના દિવસોમાં પણ અપીલ શાખાના સ્ટાફને બોલાવીને 250 જેટલા કેસો માટે સમન્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે.
ત્યારબાદ હવે જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ એવો નિર્ણય લીધો છે કે બુધવારથી બોર્ડને બે શિફ્ટમાં યોજવામાં આવશે. એક શિફ્ટ સવારે યોજાશે જ્યારે બીજી શિફ્ટ સાંજે યોજાશે આ બંને શિફ્ટમાં 25 -25 કેસો મળી કુલ 50 કેસોનું હિયરિંગ કરવામાં આવશે. આમ શક્ય એટલા વહેલા તકે આ પેન્ડિંગ કેસોનું નિરાકરણ કરવા જિલ્લા કલેક્ટર પ્રભાવ જોષીએ કમર કસી છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તાજેતરમાં 10 થી વધુ મુદત પડી હોય છતાં ચુકાદો ન આવ્યો હોય તેવા 60 જેટલા કેસો પણ ઓળખી કાઢ્યા હતા. પ્રથમ તો આ 60 કેસોનો તાત્કાલિક નિકાલ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નોંધનીય છે કે જિલ્લા કલેકટર કચેરીમાં આજે બુધવારના રોજ પણ અપીલનું બોર્ડ યોજાયું હતું જેમાં 19 કેસો ધ્યાને લેવામાં આવ્યા હતા. કેસોમાં પેઢલા, વાવડી, ટીંબડી, રામપરા બેટી, રામપરા સુર્યા, જસાપર, રફાળા, ગોંડલ, રાજકોટ દક્ષિણ સહિતના વિસ્તારોના કેસોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું.