રાજ્ય સરકાર દ્વારા વહિવટને પારદર્શી બનાવવાના ભાગરૂપે સરકારની યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ મળે તેવા પ્રયાસોના ભાગરૂપે આજરોજ કલેકટર કચેરી, રાજકોટ ખાતે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ઓપન હાઉસ કાર્યક્રમમાં મહેસુલ વિભાગની યોજનાઓના કુલ ૮૦ લાભાર્થીઓને કલેકટર રેમ્યા મોહનના હસ્તે વિવિધ હુકમો એનાયત કરાયા હતા. જેમાં બિન ખેતીના ૬૧ કેસ, બિન ખેતી-પ્રીમીયમનો ૧ કેસ, વિડી વેચાણની મંજુરીના ૭ કેસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરીના ૨ કેસ, ઔદ્યોગીક હેતુ માટે મંજૂરીના ૫ કેસ, સિટીઝનશિપ સર્ટીફિકેટશનના ૨ કેસ તથા પેટ્રોલીયમ સ્ટોરેજની એન.ઓ.સીનો ૧ કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત, તમામ લાભાર્થીઓને હુકમો કલેકટર દ્વારા હાથોહાથ અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે, વહિવટી તંત્રનો અભિગમ લોકાભિમૂખ છે. વહિવટી તંત્ર દ્વારા થતાં હુકમો ખુબ જ ઝડપથી લાભાર્થીઓને રૂબરૂ મળી શકે તે માટે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે.
ઓપન હાઉસના માધ્યમથી લાભાર્થીઓને મહેસુલ વિભાગમાં કરાતી વિવિધ અરજીઓની ઓનલાઇન સિસ્ટમની સચોટ માહિતી મળી શકે છે.આ તકે અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓની ઓનલાઈન અરજીઓ અંગેની માહિતી આપી હતી.
આ વેળાએ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.