કેસોનો ઝડપી નિકાલ કરવા વધુ એક ફેરફાર
જમીનના વિવાદમાં બન્ને પક્ષોના લેખિત જવાબ મળી જાય અને કેસ
સુનાવણીના તબક્કે પહોંચે ત્યારે જ જિલ્લા કલેકટરની ભૂમિકા શરૂ થશે
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા અપીલના કેસોનો ઝડપથી નિકાલ કરવા વધુ એક ફેરફાર કર્યો છે. જેમાં અપીલના બોર્ડમાં મુદત આપવા સહિતની સતા નાયબ મામલતદારને સોંપાઈ છે. જેથી હવે જમીનના વિવાદમાં બન્ને પક્ષોના લેખિત જવાબ મળી જાય અને કેસ સુનાવણીના તબક્કે પહોંચે ત્યારે જ જિલ્લા કલેકટરની ભૂમિકા શરૂ થશે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ અંગે જણાવ્યું કે તાજેતરમાં કેવડિયા ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી. ત્યારે વરિષ્ઠ મહેસુલી અધિકારીઓએ જે સૂચનો આપ્યા હતા. તેનું રાજકોટ જિલ્લામાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે આવતા અપીલ બોર્ડથી નવા કેસોમાં મુદત આપવા સહિતની સતા અપીલ શાખાના નાયબ મામલતદારને સોંપવામાં આવી હતી.
અત્યાર સુધી નવા કેસો આવે એટલે 2થી 3 મુદત વકીલ રોકવા, જવાબ રજૂ કરવા, પુરાવા રજૂ કરવા સહિતની પ્રક્રિયામાં થતી હતી. જેના કારણે જિલ્લા કલેક્ટરનો સમય વેડફાતો હોય કેસોનું ભારણ પણ વધતું હતું. પણ હવે આ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે કેસ દાખલ થશે એટલે પ્રાથમિક પ્રક્રિયા નાયબ મામલતદાર હાથ ધરશે. જ્યાં સુધી બન્ને પક્ષોના લેખિત જવાબો સહિતની કાર્યવાહી ન થાય ત્યાં સુધી નાયબ મામલતદાર જ મુદત પાડવા સહિતના નિર્ણયો લેશે. ત્યાર બાદ જ્યારે સુનાવણીનો તબક્કો શરૂ થશે ત્યારે જ પ્રકરણને જિલ્લા કલેકટર હાથમાં લેશે. ઉલ્લેખનીય છે કે હાલ કલેકટરના અપીલ બોર્ડમાં 400થી વધુ કેસો પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કેસોના નિકાલ માટે તેઓ અપીલ મેગા બોર્ડ યોજી રહ્યા છે. જેમાં દર બુધવારે બે સેશન યોજી 50થી લઈ 70 કેસોમાં હિયરિંગ કરી રહ્યા છે.