સમગ્ર રાજયમાં ગંગાસ્વરૂપ બહેનો માટે રાજકોટ જિલ્લા વહિવટી તંત્રની પ્રસંશનીય કામગીરી
કલેકટર અરુણ મહેશ બાબુ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ થી સન્માનિત કરાયા હતા. દિલ્હી ખાતે આયોજિત ઇવેન્ટમાં કલેકટર અરુણ મહેશ બાબુ વતી સીટી પ્રાંત અધિકારી સંદીપ વર્માએ ઉપસ્થિત રહી બહુમાન સ્વીકાર્યું હતુ.
સમગ્ર રાજ્યમાં ગંગાસ્વરૂપ બહેનો માટે રાજકોટ જિલ્લા વહિવટી તંત્રની પ્રસંશનિય કામગીરી શિરમોર બની હતી. કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધવા સહાય અંતર્ગત રાજકોટ જિલ્લામાં એકસાથે 6,680 ગંગાસ્વરૂપ બહેનોને સહાય આપવાની સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ અને ઝડપી કામગીરી કરવા બદલ રાજકોટ ડિસ્ટ્રીકટને બેસ્ટ ડિસ્ટ્રીકટ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે, જે રાજકોટ તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન ઘટના છે.
આજરોજ દિલ્હી ખાતે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ઈન્ટરનેશનલ રેકોર્ડ્સ ફેસ્ટિવલ, 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં નેપાળ, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ગ્રેટ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ભારત સહિત 7 દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં રેકોર્ડ ધારક વિજેતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. કલેકટર અરુણ મહેશ બાબુ વતી સીટી પ્રાંત અધિકારી સંદીપ વર્મા આ સમારંભમાં ઉપસ્થિત રહી તેમણે બહુમાન સ્વીકાર્યું હતું.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, બહેનો માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ યોજનઓ કાર્યરત છે. વિધવા મહિલાઓને પતિના અવસાન બાદ આવકના કોઇ સ્ત્રોત ન હોય તો સરકારે દર મહિને રૂ. 1200 પેન્સનરૂપે આપવામાં આવે છે. રાજકોટ શહેર અને જિલ્લાની 8 હજારથી વધુ મહિલાઓને હાલ વિધવા પેન્શન આપવામાં આવી રહ્યુ છે.