- રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એમઓયુ વીથ એસોસિએશન કાર્યક્રમ યોજાયો: વિવિધ વેપારી સંગઠનના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “એમઓયુ વીથ એશોસિએશન” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના વિવિધ વેપારી સંગઠનો, ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ લોકસભા બેઠકના વિસ્તારમાં વેપારી તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય એ માટે, જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી તથા વિવિધ સંગઠનો વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા “10 મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીના મતદાન માટે” સૂત્રને અનુસરીને આગામી 7મી મે 2024ના રોજ, 10-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે વેપારી સંગઠનો તેમજ ઔદ્યોગિક સંગઠનો સાથે સંકળાયેલા કામદાર મતદારોને પણ 7મી મેના રોજ મતદાન માટે સવેતન રજા આપીને, વોટિંગ માટે પ્રેરિત કરવા જણાવ્યું હતું.
ચૂંટણીમાં મહિલાઓનું મતદાન વધારવા માટે આ કાર્યક્રમમાં, વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ સાથે ખાસ સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વડીલ મતદારોની સરાહના કરતાં પેન્શનર્સ એસોસિયેશનમાંથી ઉપસ્થિત વડીલ સભ્યોનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના વિવિધ વેપારી-ઔદ્યોગિક સંગઠનોને ચૂંટણી સંબંધિત સૂચનાઓ તથા મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓની માહિતી મળી રહે તે માટે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ ઓશોસિએશન રાજકોટનું વોટ્સએપ્પ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ અધિકારી જિજ્ઞાસા ગઢવી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી, સહાયક માહિતી નિયામક સોનલ જોશીપુરા, આઈ.ટી.સી. અધિકારી નમ્રતા નથવાણી તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લઘુઉદ્યોગ ભારતી, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, લોઠડા – પીપલાણા- પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઈન્ડીયન ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ મેન્યુફેક્ચર એસોસિએશન, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઇમિટેશન જ્વેલરી એસોસિએશન, આજી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, લોધિકા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ખીરસરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હોટેલ એસોસિએશન, રાજકોટ ઇન્ફર્મેશન ટેક્નોલોજી એસોસિએશન, રાજકોટ પેટ્રોલપંપ એસોસિએશન, સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસિએશન, મહિલા વિકાસ સેવા મંડળ, ટૂર અને ટ્રાવેલ્સ એસોસિએશન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, દાણાપીઠ વેપારી એસોસિએશન, રાજકોટ સિનેમા એસોસિએશન, જીમ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ મતદાન જાગૃતિ માટે વોટ્સએપ થકી કરે છે પ્રચાર-પ્રસાર
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમારા સંગઠનમાં 2700 સભ્યો ઉપરાંત 108 એસોસિએશન અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને આશરે 70 હજાર જેટલા લોકો સંકળાયેલા છે. આ તમામ લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે અમારા વોટસ્એપ ગ્રૂપમાં ખાસ અપીલ કરીએ છીએ અને મતદાન જાગૃતિના વિવિધ વીડિયો ક્લિપ, પોસ્ટર્સ, ફ્લાયર્સ વગેરે મોકલીએ છીએ. જરૂર પડ્યે સભ્યોમાં જાગૃતિ લાવવા અવેરનેસ કાર્યક્રમ પણ યોજીશું. આ ઉપરાંત સભ્યો અચૂક મતદાન કરે તે માટે વોટસ્એપ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પ્રચાર-પ્રસાર કરીએ છીએ. આ સાથે તમામને અચૂક મતદાન માટે અપીલ કરીએ છીએ.
અચૂક મતદાન માટે જેમ્સ જ્વેલરી એસો.ના સભ્યોનો અનુરોધ
જેમ્સ જ્વેલરી એસોસિયેશન- રાજકોટના પ્રેસિડેન્ટ અને ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇડસ્ટ્રીઝના જોઇન્ટ સેક્રેટરી જગદીશભાઈ સોનીએ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સાથે લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવા અંગેના મેમ્બરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરતી વખતે કહ્યું હતું કે, ચૂંટણી એક ઉત્સવ તરીકે મનાવવી જોઈએ. દરેક ભારતીયને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. અમે અમારા કારોબારી સહિત અમારા સમસ્ત સભ્યો તથા તેમના નીયર એન્ડ ડીયરને અવશ્ય મતદાન માટે અનુરોધ કરીશું. અમારી સાથે 400થી વધુ મેમ્બર્સ જોડાયેલા છે, જેમનું વોટ્સ એપ ગ્રુપ બનાવ્યું છે જેમાં દરરોજ અમે અચૂક મત આપવા માટેની અપીલ કરીએ છીએ.
મતદાન માટે કારીગરોને પ્રેરિત કરવા શાપર ઈન્ડસ્ટ્રીયલ એસો.નો અનોખો અભિગમ
લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે કરાયેલા સમજૂતી કરાર શૃંખલા અન્વયે આ એમ.ઓ.યુ. કરનારા શાપર ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, તેમના સંગઠનમાં 2500 જેટલા સભ્યો છે અને અંદાજે 1.75 લાખ જેટલા કારીગરો આ બધા ઉદ્યોગોમાં કામ કરે છે. મતદાન જાગૃતિ માટે અમે ઉદ્યોગોના માલિકો માટે ખાસ કાર્યક્રમ યોજીશું. ઉપરાંત મતદાનના આગળના દિવસે તમામને મેઈલ કરીને અચૂક મતદાનની જાણ તથા અપીલ કરીશું. મતદાનના દિવસે તમામ કારીગરોને સવેતન રજા આપીએ જ છીએ. આ સાથે જે કારીગર બીજા દિવસે આંગળીમાં મતદાનનું ટપકું બતાવે તેને વધારાની એક રજા બોનસ સ્વરૂપે આપીશું. આમ મતદાન માટે અમે કારીગરોને પ્રેરિત કરીએ છીએ.
મતદાનના દિવસે સવેતન રજા, દૂર રહેતા કારીગરોને અગાઉથી જ રજા અપાશે : યશ રાઠોડ
લોકસભા ચૂંટણીમાં મતદાન વધારવા માટે કરાયેલા વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથેના સમજૂતિ કરાર અંગે લઘુઉદ્યોગ ભારતી-રાજકોટ તથા રાજકોટ કિચનવેર મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ યશ રાઠોડે જણાવ્યું હતું કે, લઘુઉદ્યોગ ભારતી-રાજકોટમાં આશરે 500 તથા કિચનવેર મેન્યુ. એસો.માં 450 જેટલા સભ્યો છે. આ તમામ સભ્યોમાં મતદાન જાગૃતિ માટે વોટ્સએપથી વિવિધ ફ્લાયર્સ, બેનર્સ વગેરે સામગ્રી મોકલીએ છીએ. ઉપરાંત ઈ-મેલ કરીને મતદાન માટે ખાસ રિમાઈન્ડર આપીશું. આ સાથે કારખાનામાંઓ સવેતન રજા આપીને મતદાન કરાવવા માટે અપીલ પણ કરીએ છીએ. જો કારીગરો બહારગામના હોય તો આગલા દિવસથી જ રજા આપીને તેમને મતદાન માટે પ્રોત્સાહિત કરીએ છીએ.