ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે જેમાં આશરે નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું છે. ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા અનુસંધાને રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
રાજકોટ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 9 એપ્રિલના રોજ જુનિયર વર્ગ ૩ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે રાજકોટ જિલ્લાના 150 કેન્દ્ર પર કુલ 43,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પેપર ફૂટે નહીં તે માટે તંત્ર બન્યું છે અને કલેક્ટર ઓફિસના સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના દરેક કેન્દ્ર પર ASI, PSI તેમજ ચાર પોલીસ કર્મીઓ હાજર રહેશે તેમના દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવશે .
રાજકોટ કલેકટર દ્વારા જાહેર કરાયો હેલ્પલાઇન નંબર
વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે રાજકોટ કલેકટર પ્રભાવ જોશીએ હેલ્પલાઇન નંબર 02812441248 જાહેર કરવામાં આવ્યો છે. આ તકે રાજકોટ કલેકટર દ્વારા વિદ્યાર્થીઓને ટકોર કરવામાં આવી છે કે પરીક્ષા કેન્દ્ર પર એન્ટ્રીનો સમય 11:45 નો છે સવારે 11:45 બાદ કોઈ પણ વિદ્યાર્થીને એન્ટ્રી આપવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ડિજિટલ ઘડિયાળ ઉપરાંત કોઈપણ ડિજિટલ ઉપકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.