જિલ્લામાં 1 લાખ ઇ- શ્રમ કાર્ડ ઇસ્યુ, કુલ 10 લાખ કાર્ડ કાઢવાનું લક્ષ્યાંક
પોતાને ત્યાં શ્રમ દાન કરતા શ્રમિકોને કાર્ડ કઢાવવા માટે પ્રેરવા જિલ્લાના નાગરિકોની મદદ લેવાશે : શહેર-જિલ્લામાં 1150 સ્થકોએ ઇ-શ્રમ કાર્ડ નીકળશે : 54 જેટલા સરકારી વિભાગો વધુમાં વધુ શ્રમ કાર્ડ નીકળે તે માટે પ્રયાસો કરશે
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ઇ શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેને પગલે જિલ્લામાં 1 લાખ ઇ- શ્રમ કાર્ડ ઇસ્યુ થયા છે. તંત્રએ કુલ 10 લાખ કાર્ડ કાઢવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જે અન્વયે 54 જેટલા સરકારી વિભાગો વધુમાં વધુ શ્રમ કાર્ડ નીકળે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ ઉપરાંત કલેકટર તંત્ર પણ લોકોને બલ્ક મેસેજ મોકલીને ઇ શ્રમ કાર્ડ અંગે જાગૃતતા ફેલાવશે.
દૈનિક વેતન ઉપર મજૂરીથી લઇ હેયર ડ્રેસર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, રીક્ષા-થેલા ચાલકો જેવા મજૂરો અને વર્કર્સ માટે કેન્દ્રની મોદી સરકારે 26 ઓગસ્ટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ કાર્ડના આધારે અસંગઠિત શ્રમયોગી કામદારો માટે સરકાર તરફથી ઘણી સુવિધાઓ આપવામાં આવશે.
આ યોજના હેઠળ કામદારો ઇ શ્રમ કાર્ડ બનાવી શકે છે બાદમાં તેના આધારે જરૂરી લાભો આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ કરોડો કામદારોને નવી ઓળખ મળશે. ઇ-શ્રમ પોર્ટલ અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ મજૂરોને 12-અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને ઇ-શ્રમ કાર્ડ આપશે. જે દેશભરમાં માન્ય રહેશે.
ઇ-શ્રમ કાર્ડ દેશના કરોડો અસંગઠિત કામદારોને નવી ઓળખ આપશે. સ્થળાંતર કામદારોને ટ્રેક કરવામાં મદદ મળશે. મજૂરોનો ડેટા અને માહિતી એકત્રિત કરવામાં આવશે. સરકાર વતી, દેશના તમામ કામદારોને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડની તર્જ પર તેમના કામના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવશે. આના માધ્યમથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળશે તેમજ રોજગારીમાં મદદ મળશે. આ યોજનાનો વ્યાપ વધારવા કલેકટર અરુણ મહેશબાબુ સતત પ્રયત્નશીલ છે.
જિલ્લામાં વધુમાં વધુ લોકો ઇ શ્રમ કાર્ડ કઢાવે તે માટે જિલ્લાના નાગરિકોની મદદ લેવાશે. જેઓ પોતાને ત્યાં શ્રમ દાન કરતા શ્રમિકોને કાર્ડ કઢાવવા માટે પ્રેરે તેવી અપીલ કરાશે. વધુમાં શહેર-જિલ્લામાં 1150 સ્થકોએ ઇ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટરો સહિતના શહેરના 530 સ્થળોએ તેમજ ગ્રામ પંચાયતો અને વીસીઇ ઓપરેટરોને ત્યાં કુલ ગ્રામ્યના 620 સ્થળોએ આ કામગીરી થઈ રહી છે. આ ઉપરાંત https://register.eshram.gov.in/#/user/self વેબસાઈટ ઉપર પણ ઓનલાઈન કાર્ડ નીકળી શકે છે.
તમામ પ્રોપર્ટી કાર્ડ હોલ્ડરોને પોતાની સાથે જોડાયેલા શ્રમિકોના કાર્ડ કઢાવવા SMS મારફત અપીલ કરશે
રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં 3.5 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ હોલ્ડરોને એસએમએસ મોકલવામાં આવશે. જેમાં પોતાના ઘરે કે આસપાસ રહેતા શ્રમિકોને ઇ શ્રમ કાર્ડના લાભ અને તેની પ્રક્રિયા અંગે માહિતગાર કરીને તેઓને ઇ શ્રમ કાર્ડ કઢાવવામાં મદદરૂપ થવાની અપીલ કરવામાં આવશે.
ટેક્સી એસો.તેમજ વેપારીઓની પણ મદદ લેવાશે
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે રાજકોટ શહેરના ટેક્સી એસો.ને અપિલ કરાશે કે એસોસિએશન તમામ સભ્યોના ઇ શ્રમ કાર્ડ કઢાવી આપે. આ ઉપરાંત વેપારીઓને પણ અપીલ કરાશે તેઓ પોતાના કામદારોને ઇ શ્રમ કાર્ડ કઢાવવામાં મદદરૂપ બને.
ઇ- શ્રમ કાર્ડથી મળવા પાત્ર લાભો
ઇ શ્રમ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે. અકસ્માતથી મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 1 લાખ મળવાપાત્ર છે. મહામારીના સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં સરળતા રહેશે.
ઇ- શ્રમ કાર્ડ કોણ કઢાવી શકે?
ખેત શ્રમિકો, પશુ પાલન, આરોગ્ય સેવા, આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન કામદાર, સફાઈ કામદાર, રમકડા બનાવનાર, વેલ્ડીંગ કામ કરનાર, બુટ પોલીસ કરનાર, હેર ડ્રેસિંગ, લોન્ડ્રિ કામ, માટી કામ, ઘરેલુ કામ, નાના ઉદ્યોગો, સુરક્ષા સેવા, રીક્ષા/ વાહન ચાલક, દરજી કામ, બાંધકામ કામદારો, ફેરિયા/ શાકભાજી વેચનાર, લારી- ગલ્લા જેવા તમામ વ્યવસાયો સાથે જોડાયેલ વ્યક્તિ ઇ શ્રમ કાર્ડ કઢાવી શકે છે.
ઇ-શ્રમ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ
ઇ શ્રમ કાર્ડ કઢાવવા માટે વ્યક્તિએ જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ અને બેન્ક પાસબુક લાવવાની રહેશે. આ સાથે આધાર કાર્ડ સાથે જોડાણ થયેલ મોબાઈલ પણ સાથે રાખવો.
આપની સાથે જે શ્રમિક જોડાયા હોય તેઓને ઇ શ્રમ કાર્ડ કઢાવી આપો : જિલ્લાના નાગરિકોને કલેકટરની અપીલ
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે આપના ઘરે કે કામના સ્થળે અથવા આસપાસના વિસ્તારમાં જો કોઈ શ્રમિક હોય તો તેઓને ઇ શ્રમ કાર્ડ અંગે માહિતગાર કરી આ કાર્ડ કઢાવવા પ્રેરજો. આ કાર્ડ ઇસ્યુ થયા બાદ ભવિષ્યમાં તેઓ માટે જે કોઈ સરકારી યોજના આવશે. તેનો લાભ તેમને સરળતાથી મળી શકશે.