સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવા માટે જીતુ વાઘાણી, અરુણ મહેશ બાબુ, પ્રદીપ દવ, કમલેશ મીરાણી સહિતના અગ્રણીઓ આવી પહોંચ્યા હતા.
આ પ્રસંગે રામપર બેટી ખાતે વિચરતી વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું છે.
રાજકોટમાં અડધો ડઝનથી વધુ કરોડોના ખર્ચે વિકાસકામોનાં લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવાના છે. કરોડોના આ વિકાસકામોની યાદી પણ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયને વહીવટી તંત્ર દ્વારા પહોચતી કરી દેવામાં આવી છે.
સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ થશે
આજે એરપોર્ટ પહોંચ્યા બાદ CM પટેલ સીધા બાયરોડ રામપરા બેટી ખાતે જવા રવાના થશે. રામપરા બેટી ખાતે સવારના 10 થી 11-25 કલાક દરમિયાન યોજાનાર સમારોહમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને લાભાર્થીઓને લાભાલાભનું વિતરણ કરશે. જેમાં વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનોના લોકાર્પણની સાથે 40-40 મીટરના 300 પ્લોટની સનદનું પણ લાભાથીઓને વિતરણ કરશે.
તેમજ 65 મકાનોના લાભાથીઓને ઉજજ્વલા યોજના હેઠળ ગેસ કનેકશન પણ અપાશે. આ ઉપરાંત 15મા નાણાપંચની ગ્રાંટમાંથી 89.40 લાખના ખર્ચે રાજકોટ જિલ્લાની 650 આંગણવાડીઓમાં મુકાયેલ શુધ્ધ પાણી માટેની આરઓ સીસ્ટમ તેમજ 200 શાળાઓમાં રૂ. અડધા કરોડના ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.