40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના હોય માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ
કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ હોય રાજ્યમાં ગઇકાલથી ફરી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 88 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. દરમિયાન આજે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હોય માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. આજે સવારથી વાદળર્છાંયુ વાતાવરણ છવાયેલું છે. સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં દરિયાઇ સપાટીથી 3.1 કિ.મી.ની ઉંચાઇ પર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરના કારણે રાજ્યમાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 88 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 101.94 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 157.12 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 110.66 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83.58 ટકા, સૌરાષ્ટ્રમાં 89.94 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.62 ટકા વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં 59 મીમી, ભરૂચના હસોટમાં 54 મીમી, વાલોદમાં 52 મીમી, માંડવીમાં 51 મીમી, બારડોલીમાં 44 મીમી, જગડીયામાં 39 મીમી, મહુવા 39 મીમી, કામરેજમાં 35 મીમી, ડેડીયાપાડામાં 34 મીમી, સાગબારામાં 33 મીમી, ખેરગામમાં 31 મીમી, માંગરોળમાં 31 મીમી, નવસારીમાં 28 મીમી, સોનગઢમાં 28 મીમી, ડાંગમાં 27 મીમી, અમદાવાદમાં 26 મીમી, ચોર્યાસીમાં 25 મીમી, ભરૂચમાં 24 મીમી, નાડોદમાં 22 મીમી, ઓલપાડ, નેત્રાંગ, સુબીર, કકરમુંડામાં 20 મીમી, ગણદેવી, સુરત, ખેડા અને ઉમરપાડામાં 19 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યના અન્ય 60 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે. દરમિયાન આજ દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર અને પંચમહાલ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ અમુક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસ મેઘાવી માહોલ રહેશે. આજે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના હોય માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. આજે સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળર્છાંયુ વાતાવરણ છવાયું છે.
આજી ઓવરફ્લો થવામાં માત્ર 3.30 ફૂટ જ છેટું
વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેના કારણે જળાશયોમાં નવાનીરની આવક થઇ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 13 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. વેણુ-2 ડેમમાં નવુ 79 ફૂટ પાણી આવ્યું છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી-1 ડેમની સપાટી હાલ સૌની યોજના અંતર્ગત ઠાલવાતા નર્મદાના નીરના સહારે વધી રહી છે.
નવુ 0.33 ફૂટ પાણી આવતા 28 ફૂટે ઓવરફ્લો થતા આજીની સપાટી હાલ 25.70 ફૂટે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3.30 ફૂટ જ બાકી છે. હાલ ડેમમાં 722 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત મચ્છુ-1 ડેમમાં નવું 0.23 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.03 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.10 ફૂટ, બંગાવડીમાં 0.33 ફૂટ, સસોઇ 0.07 ફૂટ, ફૂલઝર કોબામાં 0.20 ફૂટ અને ઉમીયા સાગર ડેમમાં નવુ 1.64 ફૂટ પાણીની આવક થવા પામી છે.