- વાણિજ્ય વેંચાણ હેતુ માટેના બે પ્લોટ અને ટીપીના એક પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલી દિવાલ અને બે મકાનોને જમીનદોસ્ત કરી રૂ.30 કરોડની જમીન ખૂલ્લી કરાવાય
એક તરફ આકાશમાંથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલીશન શરૂ કરવામાં આવ્યુ છે. આજે શહેરના કાલાવડ રોડ પર ટીપીના અનામત પ્લોટ પર ત્રણ સ્થળે ખડકાયેલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો. બજાર કિંમત મુજબ રૂ.29.65 કરોડની 2372 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મ્યુનિ.કમિશન આનંદ પટેલના આદેશ બાદ આજે ટીપીઓ એમ.ડી સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના વોર્ડ નં.11માં ટીપી સ્કિમ નં.16 (મોટામવા)માં કોર્પોરેશનને મળેલા અનામત હેતુ માટેના પ્લોટ ખાલી કરાવવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાલાવડ રોડ પર કોમ્પ્લેક્ષ સિનેમાની બાજુમાં ટીપી સ્કિમ નં.16ના અંતિમ ખંડ નં.5/એ માં 689 ચો.મીટર જમીન પર પાર્ટી પ્લોટ બનાવવાના હેતુથી ચણી દેવામાં આવેલી દિવાલ તોડી પાડવામાં આવી હતી.
જ્યારે 9 મીટર ટીપી રોડ પર અંદાજે 300 રનિંગ મીટર વિસ્તારમાં પાર્ટી પ્લોટના સંચાલક દ્વારા એક ગેરકાયદે દિવાલ ઉભી કરી દેવામાં આવી હતી. જે તોડી પાડવામાં આવી છે. જ્યારે ટીપીના અંતિમ ખંડ નં.6/એ વાણિજ્ય વેંચાણ હેતુ માટેના પ્લોટ પર 1683 ચો.મીટર જમીન પર બે મકાનનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં બે દિવાલ અને બે મકાનનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને બજાર કિંમત મુજબ રૂ.29.65 કરોડની 2372 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.