રાજ્યમાં છ મનપાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન દરમિયાન કેટલાક સ્થળો પર હોબાળો અને મારામારીની ઘટના સામે આવી હતી. ખાસ કરીને રાજકોટમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે તણખા ઝરવાથી લઇને ખુરશીઓ તોડી પાડવા સુધીની માથાકૂટ સર્જાઇ હતી. જો કે પાર્ટીના અન્ય આગેવાનો દોડી આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
બનાવની વિગત પ્રમાણે રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર સ્થિત આપના કાર્યાલયમાં ભાજપના કાર્યકરોએ તોડફોડ કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. થોડીવાર માટે બનાવને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિત સર્જાઇ હતી. જાણ થતા જ ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ અન્ય કાર્યકરો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. નીતિન ભારદ્વાજ ઘટનાસ્થળે પહોંચતા જ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઉગ્રબોલાચાલી પણ થઇ હતી. જો કે આ દરમિયાન પોલીસ કાફલો પણ પહોંચી જતા મામલો વધુ ઉગ્ર બન્યો અટક્યો હતો.
https://www.youtube.com/watch?v=3_AKHnjFNkI&feature=youtu.be
આપના ઉમેદવારને માર માર્યો હોવાનો આક્ષેપ
ઘટનાને લઇને આપના આગેવાનોએ આક્ષેપ કરતાં કહ્યું કે રાજકોટના વોર્ડ નં.8માં લક્ષ્મીનગર મેઇન રોડ પર આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ભાજપના ગુંડા તત્વોએ હુમલો કરી તોડફોડ કરી ખુરશી ભાંગી નાખી ઉમેદવાર દર્શન કણસાગરા અને મુકેશ લાગણેચાને ઢીકાપાટુનો માર માર્યો હતો. રાજકોટ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ નાના-મોટી તોફાનની ઘટના બની હતી. જેમાં અમદાવાદના મેઘાણીનગરમાં સ્થિત ભગવતી વિદ્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી જતા તણખા ઝર્યા હતા. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ મામલો વધુ ઉગ્ર બને એ પહેલા જ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.